અમેરિકાના હવે ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની મેલાનિયાને છૂટાછેડા આપવાના છે કે કેમ એવી ગુસપુસ વહેતી થઇ હતી.આ બંનેએ સહકુટુંબ વ્હાઇટ હાઉસ છોડ્યા પછી એવી વાતો બહાર આવી હતી કે ટ્રમ્પ પ્રમુખપદે હતા ત્યારે વ્હાઇટ હાઉસમાં બંને પતિપત્ની અલગ અલગ બેડરૂમમાં સુતા હતા.આ માહિતી આપતાં વ્હાઇટ હાઉસના એક સૂત્રે કહ્યું કે આ બંનેને અલગ અલગ બેડરૂમમાં સુતેલા જોઇને વ્હાઇટ હાઉસના સ્ટાફને એવું લાગ્યું હતું કે બંને ડાઇવોર્સ લેવાના હશે.એ સિવાય જુદા જુદા બેડરૂમમાં શા માટે સુવે?
પતિ પત્ની વચ્ચે મનમેળ નહીં હોવાની વાતો તો અફવારૂપે લાંબા સમયથી થતી રહી હતી. પરંતુ પ્રમુખના મોઢે કોણ પૂછવા જાય કે તમે કેમ જુદા બેડરૂમમાં સુવો છો. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે ટ્રમ્પના ચાર વર્ષના શાસનકાળ દરમિયાન ચારે ચાર વર્ષ આ બંને શરૂથી અલગ અલગ બેડરૂમ વાપરતા હતા. એને કારણે એવી અટકળો થવા માંડી હતી કે બંને કદાચ ડાઇવોર્સ લેશે.
વ્હાઇટ હાઉસના સૂત્રે એમ પણ કહ્યું હતું કે વ્હાઇટ હાઉસ છોડતી વખતે મેલાનિયાના ચહેરા પર કે વાણી-વર્તનમાં કોઇ અફસોસ જોવા મળ્યો નહોતો.મેલાનિયાએ તો વ્હાઇટ હાઉસ છોડવાની મુદતના થેાડા દિવસ અગાઉજ પોતાનો સામાન પેક કરી લીધો હતો. એવો કેટલોક સામાન મેલાનિયાએ વ્હાઇટ હાઉસની બહાર મોકલી આપ્યો હતો. ડાઇવોર્સ અંગે પૂછવામાં આવતાં મેલાનિયાએ ટ્રમ્પની ભૂતપૂર્વ સહાયક ઓમારોસા મેનીગોલ્ટ ન્યૂમેન પર એવો આક્ષેપ કર્યો હતો કે આ મહિલા અમારા વિશે જાતજાતની અફવા ફેલાવી રહી હતી.
ઓમારોસા ન્યૂમેને એવો દાવો કર્યો હતો કે ટ્રમ્પના પંદર વર્ષના લગ્નજીવનનો ક્યારનોય અંત આવી ગયો છે.ડાઇવોર્સ તો માત્ર એક ઔપચારિકતા બની રહેશે.મેલાનિયાએ આ આક્ષેપને નાપાયાદાર અને અફવા સમાન ગણાવ્યો હતો.જો કે વ્હાઇટ હાઉસમાં અલગ અલગ બેડરૂમ કેમ વાપરતા હતા એ મુદ્દે મેલાનિયા ચૂપકીદી સેવી રહી હતી.