વાપી:દાદરાના ચકચારિત હત્યા કમ લૂંટમાં પોલીસે બુધવારે આરોપીની ધરપકડ કરી હતી.વાપી નજીકના લવાછામાં રહેતા આરોપીએ ચાકુ જેવા હથિયારથી ગળું કાપી નાંખ્યા બાદ શરીરે પહેરેલા સોનાના દાગીના અને મોબાઇલની લૂંટ ચલાવી હતી.મૃતક અને આરોપી એકબીજાને છેલ્લા એક વર્ષથી ઓળખતા હતા.
વાપીના ચણોદ કોલોનીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા 50 વર્ષના રાજવીર ચૌધરી રવિવારે રાત્રે ઘરે ન પહોંચતા પુત્રએ હાથ ધરેલી તપાસમાં તેમની બૂલેટ બાઇક દાદરા પોલીસ સ્ટેશનની સામે સાઇ લોજ એન્ડ ગેસ્ટ હાઉસની સામે રોડ ઉપરથી મળી આવી હતી.ગેસ્ટ હાઉસમાં તપાસ કરતા રાજવીરની સોમવારે સવારે નગ્ન અવસ્થામાં હત્યા કરાયેલી લાશ મળી હતી.તેમના શરીર ઉપરથી પહેરલા દાગીના જેમાં બ્રેસલેટ, રીંગ અને મોબાઇલ ગાયબ હતા.સેલવાસ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગેસ્ટ હાઉસ અને અન્ય સ્થળના સીસી ટીવી ફૂટેજમાં આરોપીની ઓળખ થઇ હતી. બુધવારે આ કેસ અંગે માહિતી આપતા ડીઆઇજીપી હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે, કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી તેજસ્વિનીના માર્ગદર્શનમાં ચાર ટીમ બનાવીને દરેકને અલગ કામગીરી સોંપાય હતી.સીસી ટીવીમાં કેદ થયેલા શંકાસ્પદ ઇસમને શોધી કાઢતા તે વાપીના લવાછાનો રોહન દિલિપ પટેલ તરીકે ઓળખ થતાં તેની અટકાયત કરતા તેણે હત્યા અને લૂંટની કબુલાત કરતાં ધરપકડ કરી છે.પોલીસે તેમની પાસેથી લૂંટાયેલા દાગીના અને હત્યામાં વપરાયેલું હથિયાર પણ કબજે લીધું હતું.
બંનેના મેડિકલ રીપોર્ટ બાદ ચિત્ર સ્પષ્ટ થશે
આરોપી રોહન પટેલ અને મૃતક રાજવીર ચૌધરી વચ્ચે કેવા સંબંધ હતા એ બાબતે એસપી હરેશ્વર સ્વામીએ કહ્યું કે,હાલ આ બાબતે કંઇ કહી શકાય એમ નથી. બંનેના મેડિકલ રીપોર્ટ આવ્યા બાદ અને તપાસમાં ચિત્ર સ્પષ્ટ થશે.આ ઉપરાંત આરોપીની કોઇ ગુનાહિત હિસ્ટ્રી બાબતે તપાસ કરવામાં આવશે.
બિયર લેવા સાથે જતા આરોપી ઓળખાયો
ગેસ્ટ હાઉસમાં પહોંચવા પૂર્વે મૃતક રાજવીર અને આરોપી રોહન પટેલ દાદરાની એક શોપમાં બિયર લેવા સાથે ગયા હતા. બિયર શોપમાં લાગેલા સીસી ટીવી કેમેરામાં આરોપીની ઓળખ થઇ જતા પોલીસને આરોપી શોધવામાં સરળતા રહી હતી.