– નાના ભાઇની સગાઇ અને મોટો ભાઇ મિત્રો સાથે નદીમાં ફરવા ગયો
– છેલ્લા વીડિયોમાં મિત્રો ખુશ નજર આવી રહ્યા હતા
– મૃતક અજયે સેલ્ફી લેવા જતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું
સુરત : સુરત શહેરમાં ઉત્રાણમાં તાપીના કાંઠે નાના ભાઇની સગાઇ હતી અને મોટો ભાઇ મિત્રો સાથે નદીમાં ફરવા ગયો હતો.દરમિયાન સેલ્ફી લેતા બોટ ઊંધી વળતા ભાઇ સહિત બેના મોત નીપજ્યાં હતા.જ્યારે 3 યુવકો જેમ તેમ નદીમાંથી બહાર નીકળી જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.જ્યારે આ તમામ મિત્રો તાપી નદીમાં બોટમાં ફરવા ગયા ત્યારે વીડિયો બનાવ્યા હતા. જે પરિવાર માટે છેલ્લી યાદગીરી સમાન બની ગયા છે.
આનંદનો પ્રસંગ કરુણાંતિકામાં ફેરવાય ગયો
ઉત્રાણ હળપતિવાસમાં સગાઈ પ્રસંગમાં આવેલા યુવકો નાવડી પલ્ટી જવાને લીધે નદીમાં ડૂબી જતા આનંદનો પ્રસંગ કરુણાંતિકામાં ફેરવાય ગયો હતોવેડરોડ રહેમત નગરમાં રહેતો અજય બચ્ચુ રાઠોડ (35) મિત્રો રાહુલ લક્ષ્મણ સોનવણે (20) ,હિતેશ રાઠોડ (20),અલ્ફાસ શેખ (30 ) અને સોનુ શેખ (19 )સાથે પોતાના નાનાભાઈની સગાઇમાં ઉત્રાણ ગયા હતા.જ્યાં ગત રોજ બપોરે 2:30 વાગ્યા આસપાસ પાંચેય યુવકો ઝીંગા પકડવાની બોટ લઈ તાપીમાં ગયા હતા.જ્યાં અજયે સેલ્ફી લેવા જતાં બોટનું બેલેન્સ બગડતા તે નદીમાં પડી ગયો હતો.સાથે જ બોટ પણ પલ્ટી મારી ગઈ હતી.તમામ નદીમાં પડી ગયા હતા.અલફાઝ,સોનુ અને હિતેશ જેમ તેમ નદીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.અજય અને રાહુલ ડૂબી ગયા હતા.
નાવડી ડૂબી ત્યાં 20 ફૂટથી વધુ ઊંડું પાણી હતું
ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે તમામ લોકો ઝિંગા પકડવા માટે અને મોજ મસ્તી માટે નદીમાં બોટ લઈને ગયા હતા.જે જગ્યાએ નાવડી ઉંધી વળી ગઈ ત્યાં 20 ફૂટથી વધુ ઊંડું પાણી હતું.એક વ્યક્તિની ડેડબોડી તરત મળી ગઈ હતી જ્યારે અન્યની 10 મિનિટ બાદ મળી હતી.