મોદીનો ચૂંટણી પ્રવાસ:બંગાળમાં નેતાજી ભવન જશે વડાપ્રધાન,આસામમાં 1.06 લાખ લોકોને જમીનનો પટ્ટો આપશે

259

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળ અને આસામના પ્રવાસ પર રહેશે.આ દરમિયાન મોદી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જયંતીના સમારંભમાં ભાગ લેશે.સરકારે સુભાષ જયંતી એટલે કે 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસના રૂપમાં મનાવવાનો નિર્ણય લીધો છે.વડાપ્રધાન કોલકાતાના એલ્ગિન રોડ સ્થિત નેતાજી ભવનમાં પણ જશે.આ દરમિયાન તેઓ એક સ્મારક સિક્કાનું અને પોસ્ટ ટિકિટ પણ બહાર પાડશે.આ સિવાય PM આસામના 1.06 લાખ લોકોને જમીનનો પટ્ટો પણ ફાળવશે.

બંગાળનો પ્રવાસ આ માટે મહત્ત્વનો
PM મોદીનો બંગાળ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ત્યાં થોડા મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.આ વખતે ભાજપ બંગાળમાં સત્તા મેળવવાની શક્ય તેટલી તમામ કોશિશ કરી રહી છે.પાર્ટીએ 200થી વધુ સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના ઘણા મંત્રી-ધારાસભ્ય પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે.

નેતાજી પર ગરમાયું રાજકારણ
ચૂંટણી પહેલાં બંગાળમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને લઈને રાજકારણ ગરમાયું છે.TMC નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં જ નેતાજીજયંતીને દેશનાયક દિવસના રૂપમાં મનાવવાની જાહેરાત કરી હતી.જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે સત્તામાં આવ્યા પછી તે નેતાજીની સૌથી ઊંચી પ્રતિમા બનાવશે.

આસામમાં પણ વિધાનસભા ચૂંટણી
વડાપ્રધાન મોદી આસામના શિવસાગર જિલ્લાના જેરેંગા પથારમાં સ્થાનિક લોકોને જમીનના પટ્ટા વહેંચશે.એનો ફાયદો તે લોકોને થશે, જેઓ એ જમીન પર 20થી વધુ વર્ષથી રહી રહ્યા છે.પટ્ટો મળ્યા પછી આ લોકો જમીનમાલિક બની જશે.તેમને અન્ય સરકારી સુવિધાઓ પણ મળવા લાગશે.તેઓ બેન્કમાંથી પણ લોન લઈ શકશે.રાજ્યની ભાજપ સરકારે મે 2016થી લઈને અત્યારસુધી 2.28 લાખ લોકોને જમીનના પટ્ટા આપ્યા છે.આ કારણે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં PMનો પ્રવાસ મહત્ત્વનો મનાઈ રહ્યો છે.

Share Now