
ઈ-કૉમર્સ કંપનીઓ ઍમેઝૉન,ફ્લિપકાર્ટ,ઝોમૅટો અને સ્વિગી જેવી કંપનીઓ ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ્સ ઑથોરિટી દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું સરેઆમ ઉલ્લંઘન કરતી હોવાના આરોપ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ)એ કર્યો છે.ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ્સ ઑથોરિટીના કાયદા અનુસાર ઈ-કૉમર્સ પૉર્ટલ પર મૅન્યુફૅક્ચરનું નામ,વસ્તુ સંબંધિત જાણકારી જેવી વિગતો લખવી અનિવાર્ય છે.જોકે આ કંપનીઓ આ કાયદાનું પાલન કરતી નથી એવી ફરિયાદ ગઈ કાલે કેઇટ દ્વારા કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલને કરવામાં આવી છે.કેઇટે આ કંપનીઓ દ્વારા ગ્રાહકોની ખુલ્લેઆમ ચલાવાતી લૂંટ પર પણ કાર્યવાહી કરવાની માગણી કરી છે.
લીગલ મેટ્રોલૉજી (પૅકેજડ કૉમોડિટી) ઍક્ટ ૨૦૧૧ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન ઍક્ટ ૨૦૨૦માં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈ-કૉમર્સ કંપનીઓ તેમની બધી જ પ્રોડક્ટ પર નિર્માતાનું નામ અને સરનામું,મૂળ દેશનું નામ,વસ્તુનું નામ,શુદ્ધ માત્રા,એક્સપાયરી ડેટ,એમઆરપી અને કેટલી ક્વૉન્ટિટી છે એ લખવું અનિવાર્ય છે, પરંતુ ઈ-કૉમર્સ કંપનીઓ આ કાયદાનું પાલન કરતી નથી.
આ બાબતનો આક્ષેપ કરતાં કેઇટના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે કહ્યું હતું કે ‘આ કંપનીઓ આપણા દેશના કાયદાઓનું ઉલ્લંઘન કરતી હોવા છતાં કોઈ પણ સરકારી વિભાગ દ્વારા આ કંપનીઓ પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરી નથી,જેને કારણે આ કંપનીઓ બિન્દાસ કારોબાર ચલાવી રહી છે.આ કંપનીઓને કાયદાનું પાલન કરવા માટે ૬ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જોકે ત્રણ વર્ષમાં ઈ-કૉમર્સ કંપનીઓ આ કાયદાનું પાલન કરતી નથી. કાયદા પ્રમાણે કાયદાનું ઉલ્લંઘન કરનાર કંપની સામે દંડાત્મક કાર્યવાહી અને જેલની સજા બન્ને થઈ શકે છે,પરંતુ તેમના પર કાર્યવાહી કરવામાં આવતી નથી,તો દંડાત્મક કાર્યવાહી તો દૂરની વાત થઈ.અમે આ બાબતની ફરિયાદ વાણિજ્ય પ્રધાનને કરી છે.’