વડોદરા : વડોદરાના કુખ્યાત અસલમ બોડિયા અને મુન્ના તરબૂચ પર વડોદરા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોધીને બે નંબરી મિલકતોની તપાસ શરુ કરી છે.વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસીપી ડી.એસ.ચૌહાણ અને તેમની ટીમે બિચ્છુ ગેંગના સાગરીતોની મિલકતોની તપાસ હાથ ધરીને મહેબુબપુરા,વાડી અને તાંદલજાનાં મકાનોમાં છાપા મારી મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યાં હતા.
પોલીસે જણાવ્યું હતું કે,બોડિયાની દુકાનો,મકાનો,વાહનો અને બેંક ખાતાની માહિતી પણ મેળવાઇ છે,જેના આધારે તેની પાસે કેટલી મિલકતો છે તથા કોના નામે મિલકતો છે તેની તપાસ કરાઇ રહી છે.તેનાં વાહનોની પણ તપાસ કરાઇ રહી છે.પોલીસ તપાસમાં બિચ્છુ ગેંગના અસલમ બોડિયા અને મુન્ના તરબૂચ પાસે 10 કરોડથી વધુની મિલકતો હોવાનું ખુલ્યું છે.બીજી તરફ બોડિયાની 40 રીક્ષાઓ હોવાનું જણાયું છે,જેથી રિક્ષાઓ આઇડેન્ટીફાય કરીને કબજે કરવાનું પણ શરૂ કરાયું છે. જ્યારે મુન્ના તડબુચની મિલકતોની તપાસ દરમિયાન તેણે 4 વર્ષ પહેલાં નવાપુરામાં એક બિલ્ડિંગ બનાવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.24 ડુપ્લેક્ષની સ્કીમમાં મુન્ના તડબૂચ ભાગીદાર છે.
ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમો ફરાર થઇ ગયેલા અસલમ બોડિયા અને મુન્ના તડબુચ સહિતના આરોપીઓની શોધખોળ કરી રહી છે.પોલીસની ટીમો રાજસ્થાન,પંચમહાલ-ગોધરા,ભરૂચ-જંબુસર તેમજ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે તપાસ કરી રહી છે.ટીમોએ બોડિયા અને તડબુચ સહિતના આરોપીઓનાં આશ્રયસ્થાનો પર રવિવારે પણ દરોડા પાડ્યા હતા.