ટ્રેક્ટર રેલીએ હિંસક રૂપ ધારણ કર્યું : ITO પાસે જબરદસ્ત ઘમાસાણ, ખેડૂતોએ તલવારથી કર્યો હુમલો,વાહનોમાં તોડફોડ,પથ્થરમારો ચાલુ : 1 ખેડૂતને ગોળી વાગતાં થયું મોત

261

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં આઈટીઓ પાસે ખેડૂત પ્રદર્શનકારીઓએ હિંસા શરૂ કરી દીધી છે.ખેડૂતો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે.ખેડૂત આંદોલનકારી પોલીસ ટીમ પર તલવાર અને લાકડી ડંડાથી હુમલો કરી રહ્યા છે.આ બધા વચ્ચે ખેડૂતોએ પોલીસકર્મીઓ પર ટ્રેક્ટર ચડાવવાની પણ કોશિશ કરી.પોલીસે ભીડ કાબૂમાં કરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા છે.જો કે આમ છતાં ખેડૂતો હટવા માટે તૈયાર નથી.

અનેક ખેડૂતો લાલ કિલ્લા પહોંચ્યા

આઈટીઓ પર બબાલ વચ્ચે ખેડૂત લાલ કિલ્લા પર પહોંચી ગયા છે.કહેવાય છે કે લગભગ બે ડઝન ટ્રેક્ટરોમાં સવાર સેંકડો ખેડૂતો લાલ કિલ્લા પરિસર પહોંચી ગયા છે.જ્યાં તેઓ પ્રદર્શન કરી રહ્યા છે.

લાલ કિલ્લા તરફ આગળ વધી રહેલા ખેડૂતો પર પોલીસે કર્યો લાઠીચાર્જ

લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ તરફ આગળ વધી રહેલા ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યો.આ સાથે જ સતત ટીયર ગેસ છોડવામાં આવી રહ્યો છે.પોલીસે હાલ ખેડૂતોને પાછળ ખદેડ્યા છે.પરંતુ હજુ પણ ખેડૂતો આઈટીઓ પર ડટેલા છે.

આઈટીઓ પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ભીડંત

ગાઝીપુર બોર્ડરથી નીકળેલો ખેડૂતોનો એક જથ્થો આઈટીઓ પહોંચી ગયો.જ્યાં પોલીસે તેમને રોકવાની કોશિશ કરી તો પરંતુ ખેડૂતો થોભવા માટે તૈયાર નથી.તેઓ સતત લાલ કિલ્લા તરફ આગળ વધી રહ્યા છે.ગાઝીપુરથી નીકળેલા ખેડૂતોએ અક્ષરધામ થઈને અપ્સરા બોર્ડર તરફ જવાનું હતું.

ખેડૂતોએ પોલીસ પર કર્યો પથ્થરમારો

ખેડૂતો પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડિંગ તોડી નાખ્યા. ખેડૂતોએ ડીટીસી બસોના કાચ પણ તોડી નાખ્યા.ખેડૂતોએ એક બસ પલટી નાખવાની કોશિશ કરી.ખેડૂતોએ ડંડાથી પોલીસ પર હુમલાની કોશિશ કરી.ત્યારબાદ પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા.પોલીસ સતત ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે ટ્રેક્ટર રેલી કાઢવા માટે સમજાવી રહી છે.પરંતુ ખેડૂતો જબરદસ્તીથી ઈન્ડીયા ગેટ તરફ આગળ વધી રહ્યા છે.

ખેડૂતોએ પોલીસ બેરિકેડિંગ તોડ્યા

ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતો આજે નવા કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર રેલી કાઢી રહ્યા છે.ખેડૂતોએ ટિકરી બોર્ડર પર પોલીસ બેરિકેડિંગ તોડ્યા.મોટી સંખ્યામાં ટ્રેક્ટર ટ્રોલી લઈને દિલ્હીની અંદર આગળ વધી રહ્યા છે.આ દરમિયાન પોલીસ ડ્રોન દ્વારા નિગરાણી કરી રહી છે.

નોઈડા મોડ પર ખેડૂતોએ તોડ્યા બેરિકેડ

ગાઝીપુર બોર્ડર ઉપર પણ ખેડૂતોએ બેરિકેડ તોડ્યા છે.ત્યારબાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા.આ સાથે જ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના પણ સમાચાર છે.વાત જાણે એમ છે કે અક્ષરધામ અગાઉ એનએચ 24 પર પોલીસે બેરિકેડિંગ કર્યું હતું.પરંતુ કેટલાક ખેડૂતો ટ્રેક્ટરો સાથે બેરિકેડિંગ તોડીને દિલ્હી (Delhi) માં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યા.ત્યારબાદ પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો.ખેડૂતોને ત્યાંથી ખદેડી મૂકવામાં આવ્યા છે.

ખેડૂતો પર લાઠીચાર્જ

પોલીસ અધિકારીઓએ ખુબ સમજાવ્યા છતાં ખેડૂતો માન્યા નહીં અને ખેડૂતોની ભીડમાં કેટલાક લોકો જબરદસ્તી કરવા લાગ્યા.ત્યારબાદ ભીડને કાબૂમાં કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો.આ બધા વચ્ચે ખેડૂતોએ પોલીસની બેરિકેડિંગ તોડીને આઉટર રિંગ રોડ તરફ આગળ વધવાનું શરૂ કરી દીધુ. દિલ્હી પોલીસે ખેડૂતોને ખુબ સમજાવ્યા હતા કે ગણતંત્ર દિવસના અવસરે રાજપથ પર પરેડ બાદ ખેડૂતોને ટ્રેક્ટર રેલીની મંજૂરી અપાઈ છે.

દિલ્હી ખેડૂત આંદોલનમાં નવા મોડ પર પહોંચી ગયું છે.સ્થિતિ હાલતો કાબુમાં છે પરંતુ પોલિસે ટિયરગેસના સેલ છોડવા સાથે એક ખેડૂતને ગોળી વાગતાં મોત થયાનું ગુજરાત ઝઘડિયાના એમએલએ છોટુભાઈ વસાવાએ આ બાબતે ટ્વિટ કર્યું છે.ટ્રેક્ટર ચલાવી રહેલા ખેડૂત પર ગોળી ચલાવાઈ છે. જેના કારણે તેનું મોત થયું છે.હાલમાં આ બાબતના સમાચારોને લઈને જીએસટીવી કોઈ પુષ્ટિ નથી કરતું પરંતુ ગુજરાતના એમએલએ દ્વારા આ બાબતની ટ્વિટર હેન્ડલ પર આ માહિતી શેર કરી છે.

પોલિસે ખેડૂતો પર ટિયરગેસના સેલ છોડ્યા

કોઈએ કલ્પના પણ નહી કરી હોય તેવી સ્થિતિ દિલ્હીમાં સર્જાઈ છે.ખેડૂતો શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છે.તે વચ્ચે ખેડૂતો અને પોલિસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ જોવા મળ્યા છે. દિલ્હીથી દુનિયા સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે ખેડૂતોએ કાઢેલી રેલીમાં હવે દિલ્હીમાં રેપિડ એક્શન ફોર્સને તેનાત કરી દેવાયા છે.પોલિસે ખેડૂતો પર ટિયરગેસના સેલ છોડ્યા છે.પોલિસે કહ્યું કે દિનદયાલ ઉપાધ્યાય માર્ગ પર આગળ જો વધવાનો પ્રયાસ કર્યો તો પોલિસ એક્શન મોડમાં આવી જશે.બેરિકેડને ખેડૂતોએ હટાવી દીધા છે.દિલ્હીમાં સ્થિતિ વણસવાના મોડ પર આવી ગઈ છે

ડીડીયુ માર્ગ પર એક ખેડૂતનું ટ્રેક્ટર પલટી જતાં ટ્રેક્ટર ચાલકનું મોત

દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન એક ખેડૂતનું મોત થયું છે.ડીડીયુ માર્ગ પર એક ખેડૂતનું ટ્રેક્ટર પલટી જતાં ટ્રેક્ટર ચાલકનું મોત થયું છે. દિલ્હીના આઈટીઓ પર ખેડૂતો અને પોલિસ વચ્ચે ટકરાવ ચાલુ છે.જો કે પોલિસનો દાવો છે કે હાલમાં સ્થિતિ કન્ટ્રોલમાં છે.આઈટીઓ પર બબાલ વચ્ચે કેટલાક ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચી ગયા છે. લગભગ બે ડઝન ટ્રેક્ટરમાં સવાર ખેડૂતો લાલ કિલ્લાપર પહોંચીને પ્રદર્શન કરી રહ્યા છે.

ખેડૂત આંદોલનમાં આ જગ્યાઓ પર થઈ છે ઝપાઝપી

ગાઝીપુર બોર્ડર પાસે બેરીકેડ્સ તોડવામાં આવ્યા, અક્ષરધામ- નોયડામાં ડાયવર્ઝન પાસે ઝપાઝપી, નોયડા ચિલ્લા બોર્ડરપર ઝડપ,કેટલીક જ્યાકે નાના મોટા છમકલાં થયાના સમાચારો આવી રહ્યા છે.ખેડૂતોએ કેટલીક ગાડીઓમાં તોડફોડ કરી હોવાના પણ સમાચાર છે.મુકરબા ચોકી પાસે પણ હાલત થોડી ખરાબ થઈ છે.ટીકરી બોર્ડરથી આગળ નાંગલોઈમાં પણ પોલિસ બેરિકેડ્સને તોડી નાંખવામાં આવ્યા. ખેડૂતોએ 37 નિયમોનું કર્યું છે ઉલ્લંઘન,કેટલીય જગ્યાઓ પર બળપ્રયોગ કરી રહી છે પોલિસ, ટીયરગેસના સેલ પણ છોડવામાં આવી રહ્યા છે.

વિધાનસભા અને સિવિલ લાઈનની મેટ્રો રૂટને પણ કરાયા છે બંધ

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ધીમે ધીમે તેના નિયત રૂટથી ફંટાઈ રહ્યું છે તે જોતાં અગમચેતીના ભાગ રૂપે દિલ્હી મેટ્રો રેલ દ્વારા અમુક રૂટને બંધ કરવાની જાહેરાત કરી છે.ઈન્દ્રપ્રસ્થ મેટ્રો સ્ટેશનના એક્ઝિટ ગેટ સહિત ગ્રીન લાઈનના તમામ સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે.આ પહેલા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમયપુર,રોહીણી સેક્ટર18-19, હેદરપુર બદલી,જહાંગીરપુરી,આદર્શનગર,આઝાદપુર,મોડેલ ટાઉન,જીટીબી નગર,વિશ્વવિદ્યાલય,વિધાનસભા અને સિવિલ લાઈનની મેટ્રો બંધ કરી દેવામાં આવી છે.

Share Now