ડાંગ જિલ્લા કોંગ્રેસને મોટો ઝટકો : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા

306

સાપુતારા : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીત કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા બાદ ડાંગ જિલ્લા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના વિજય પટેલનો 60,000 મતોથી વિજય થયો હતો,કોંગ્રેસના ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં ભાજપને ઐતિહાસિક જીત મળી હતી.આ જીત બાદ વિકાસના મુદ્દા સાથે મંગળ ગાવીતના નિકટના અને આહવા જિલ્લા પંચાયતના બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવીત અને તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં કોંગ્રેસ છોડી મંત્રી ગણપત વસાવના હસ્તે ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી થઈ રહી છે ત્યારે ડાંગ જિલ્લા કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે,આહવાના મિશન પાડા ખાતે રહેતા ખ્રિસ્તી સમાજના લોકો જેઓ વંશ પરંપરાગત કોંગ્રેસની વિચાર ધારાને વરેલા લોકો માનવામાં આવે છે તેઓએ મોટી સંખ્યામાં એક સાથે કોંગ્રેસને રામરામ કહી દીધું છે.મિશન પાડા ખાતે રહેતા કોંગ્રેસના યુવા કાર્યકર વિપુલ મિસ્ત્રીની આગેવાનીમાં 100 થી વધુ લોકોએ આજે ડાંગ જિલ્લા ચુંટણી ઇન્ચાર્જ અશોકભાઈ ધોરાજીયાની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ પહેરી વિધિવત ભાજપમાં જોડાયા છે.વિપુલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અમારા વડીલોના કહેવા મુજબ અમે આજદિન સુધી કોંગ્રેસની વિચારધારાને વળગી રહ્યા હતા.જોકે કોંગ્રેસના જીતેલા નેતાઓ એકવાર જીતી ગયા પછી પાંચ વર્ષ સુધી અમારે ત્યાં આવતા નથી અમારી સમસ્યાનો કોઈ હલ થતો નથી,અમારા આહવાના સરપંચ હરિરામ સાવંત ભાજપના હોવા છતાં અમારા પ્રશ્નો સાંભળે છે અને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર અમારા કામો કરે છે જેથી આજે અમે કોંગ્રેસની જુની વિચારધારા છોડી ભાજપના વિકાસના સૂત્ર સાથે જોડાઈએ છીએ મુજબનું જણાવ્યુ હતું. ઉલ્લેખનિય છે કે ડાંગ કોંગ્રેસના યુવા કાર્યકર વિપુલ મિસ્ત્રી ખ્રિસ્તી સમુદાય ઉપર સારું પ્રભુત્વ ધરાવે છે.જેઓ પોતાના 100 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં સક્રિય થતા કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે.

Share Now