– ઇન્કમટેક્ષ અધિકારીએ જાણ કરતા કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી
– દારૂની બોટલના ખાલી ખોખા અને બોક્ષ પણ મળી આવ્યા
સુરત : રફ ડાયમંડ જોબવર્ક સાથે સંકળાયેલી કાપોદ્રા હીરાબાગ ડી.બી.સી હાઉસ સ્થિત દીયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પેઢીમાં ઇન્કમટેક્ષની રેડ દરમિયાન 30,940ની મત્તાની દારૂની 15 બોટલ મળી આવી હતી.ઇન્કમટેક્ષ અધિકારીએ જાણ કરતા કાપોદ્રા પોલીસે તપાસ કરતા ત્યાંથી દારૂની બોટલના ખાલી ખોખા અને બોક્ષ પણ મળ્યા હતા.પોલીસને એક બુક પણ મળી હતી. જેમાં દારૂનો હિસાબ લખ્યો છે.
8 જેટલા દારૂની બોટલના ખાલી ખોખા અને બોક્ષ પણ મળ્યા
સુરત ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગે રફ ડાયમંડ જોબવર્ક સાથે સંકળાયેલી કાપોદ્રા હીરાબાગ ડી.બી.સી હાઉસ સ્થિત દીયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પેઢીમાં રેડ કરી હતી.દરમિયાન મોડીરાત્રે બિલ્ડીંગના છઠ્ઠા માળે ટેરેસ ઉપર મુકેલા સામાનની તપાસમાં સર્વરરૂમને અડીને આવેલા ગાર્ડ રૂમની બહાર મુકેલી અલમારીની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી હતી.જેથી ઇન્કમટેક્ષ વિભાગે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી.કાપોદ્રા પોલીસે તપાસ કરતા ત્યાંથી 30,940ની મત્તાની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 15 બોટલ મળી આવી હતી.પોલીસને ત્યાંથી 8 જેટલા દારૂની બોટલના ખાલી ખોખા અને બોક્ષ પણ મળ્યા હતા.
દીયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પેઢીના સંચાલકો વિરૂદ્ધ ગુનો નોંધાયો
પોલીસને અલમારીમાંથી એક બુક પણ મળી હતી.જેમાં બોટલના નામ,નંગ,તારીખ અને અલગ- અલગ વ્યક્તિના ગુજરાતીમાં નામ લખ્યા છે.કાપોદ્રા પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી દીયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પેઢીના સંચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.