બારડોલી : બારડોલી તાલુકાના મઢી નજીક આવેલા કાંટીફળિયાની સીમમાં ખેતરની નીકમાંથી અજાણી મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.પોલીસે મૃતદેહનો કબ્જો લઈ ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે.
બારડોલી તાલુકાનાં મઢી ગામ નજીક આવેલા કાંટી ફળિયાની સીમમાં આવેલા રાજુભાઈ ચૌધરીના શેરડીના ખેતરમાં પાણીની નીકમાંથી મંગળવારના રોજ એક મહિલાની લાશ મળી આવી હતી.સ્થાનિકોએ મઢી આઉટપોસ્ટ ખાતે જાણ કરતાં જ જમાદાર સંજય સાંડસુર તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસ આદરી હતી.અંદાજિત 20 થી 25 વર્ષની ઉંમરની મહિલાને માથાના ભાગે ઇજાના નિશાન હતા અને બાજુમાં જ લોહીવાળો પથ્થર પડેલો હતો.પ્રાથમિક તપાસમાં મહિલાના ચહેરા પર પથ્થર મારી તેની હત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યુ છે.મૃતક મહિલાએ શરીરે લાલ કુર્તો અને સફેદ લેંગીઝ પહેરેલ છે.મૃતકની ઓળખ નહીં થઈ શકી હોય પોલીસે તેના વાલીવારસની શોધખોળ આદરી છે.આજુબાજુના ગામોમાં સોશ્યલ મીડિયા પર તેણીના ફોટો મોકલી ઓળખ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જો કે હજી સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી.પોલીસે મૃતકના ફિંગર પ્રિન્ટ લઈ આધારકાર્ડની મદદથી ઓળખ માટેના પ્રયાસો પણ કર્યા હતા પરંતુ ફિંગરપ્રિન્ટ ડિટેક્ટ નહીં થતાં ઓળખ કરવી મુશ્કેલ બની છે.પોલીસે મૃતકના ફોટો આજુબાજુના પોલીસ સ્ટેશનમાં મોકલી ઓળખ માટેની તજવીજ હાથ ધરી છે.હાલ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.