જિલ્લા કોર્ટો હવે વહેલી તકે શરૂ કરવાની માગણી સાથે વડોદરા વકીલ મંડળના ધરણા

412

વડોદરા, તા. 27 : કોરોનાના કારણે છેલ્લા નવ માસથી બંધ કોર્ટ શરૂ કરવાની માગ સાથે વકીલ મંડળ દ્વારા કોર્ટ સંકુલની બહાર પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. તા. 30મી સુધીમાં ફિઝિકલ કોર્ટો શરૂ કરવામાં નહીં આવે તો તા. 1લી ફેબ્રુઆરીથી વકીલો દ્વારા સવિનય કાનૂનભંગ કરી ફિઝિકલી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે,તેવી ચીમકી વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

વકીલ મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે માર્ચ માસથી શરૂ થયેલ કોરોનાના કારણે કોર્ટો બંધ કરી દેવામાં આવી હતી.છેલ્લા નવ માસથી કોર્ટો બંધ હોવાના કારણે વકીલોની હાલત કફોડી બની ગઈ છે.ત્યારે વહેલી તકે કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે એવી અમારી માગણી અને લાગણી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડોદરામાં કોરોના નિયંત્રણ હેઠળ આવી ગયો છે.એક પછી એક તમામ ક્ષેત્રો શરૂ થઈ રહ્યા છે.વેક્સિન પણ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.ત્યારે કોર્ટમાં ફિઝિકલી કામગીરી કરવા માટેની મંજૂરી આપવા માટે અમારી માગ છે.

આજે કોર્ટ સંકુલની બહાર ગેટ પર પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે.પ્રતીક ઉપવાસમાં વકીલો જોડાઇ રહ્યા છે.છેલ્લા નવ માસથી કોર્ટ બંધ થવાને કારણે વકીલોની હાલત કફોડી બની ગઈ છે.તારીખ 30મી સુધીમાં ફિઝિકલી કોર્ટ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં નહીં આવે તો તારીખ 1લી ફેબ્રુઆરીથી વકીલો સવિનય કાનૂન ભંગ કરીને તમામ વકીલો ફિઝિકલી કોર્ટ કાર્યવાહી શરૂ કરી દેશે,એવી ચીમકી વકીલ મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આજે કોર્ટ સંકુલની બહાર ગેટ પાસે મોટી સંખ્યામાં વકીલો પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.પ્રતિક ઉપવાસ દરમિયાન અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.વકીલો દ્વારા ફિઝિકલી કોર્ટ શરૂ કરવાની માંગ કરી દેખાવો અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Share Now