સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની સમિતિની ચૂંટણીમાં 97.60 ટકા મતદાન

290

9100 કરોડના વહીવટ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની વ્યવસ્થાપક સમિતિ માટે ગુરૂવારે યોજાયેલી ચૂંટણીમાં 97.60 ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું.સાત બેઠકો પર 100 ટકા મતદાન સાથે 13 મતદાન મથકો પર થયેલા મતદાનમાં 34 મતદારો મતદાનથી અળગા રહ્યા હતા.

સુરત અને તાપી જિલ્લામાં કુલ 18 બેઠકોમાંથી પાંચ બેઠકો પર વર્તમાન ચેરમેન નરેશ પટેલ અને ઉપપ્રમુખ સંદીપ દેસાઇ,બારડોલી બેઠક પર દીપક પટેલ,નયન ભરતીવાળા અને ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલ બિનહરીફ જાહેર થયા હતા.જ્યારે 13 બેઠકો પર 28 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાય હતી.સવારે નવ વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.સાંજે ચાર વાગ્યા સુધીમાં 97.40 ટકા મતદાન નોંધાયું હતું.કુલ 1418 મતદારોમાંથી 1384 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.34 મતદારો મતદાનથી અળગા રહ્યા છે.

30મી જાન્યુઆરીએ મતગણતરી કરાશે
સાત બેઠકો ઓલપાડ,માંગરોલ,બારડોલી,ચલથાણ,સોનગઢ અને નિઝરના મતદાન મથકો પર 100 ટકા મતદાન થયું હતું.જ્યારે કામરેજમાં 98.36 ટકા, માંડવીમાં 98.02 ટકા,વ્યારામાં 98.29 ટકા,મહુવામાં 97.17 ટકા,જે.પી.રોડ 1 પર 95 ટકા અને જે.પી.રોડ 2 પર 92.01 ટકા મતદાન નોંધાયું છે.બેંકની સંચાલન સમિતિમાં સ્થાન મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદાવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.ત્યારે આગામી તા.30મી જાન્યુઆરીના રોજ મતગણતરી કરવામાં આ‌વશે.

બ્રિજેશ પટેલ અને કિરીટ પટેલ વચ્ચે રકઝક થઇ
ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલ મતદારોને જિ.પ.માજી પ્રમુખ અશ્વિની પટેલની તરફેણમાં મત આપવા માટે મતદારોને કહેતા ઉમેદવાર અને માજી ધારાસભ્ય કિરીટ પટેલે તેમને ઠપકો આપતા રકઝક થઇ હતી.

પગમાં ફ્રેક્ચર છતાં પહેલા માળે જઇ વોટીંગ કર્યું
માંગરોલ ખાતે પહેલા માળે ઉભા કરવામાં આવેલા મતદાન મથકમાં એક મતદારના પગમાં ફ્રેેક્ચર હતું.જો કે પ્રિસાઇડીંગ ઓફીસરના અક્કડ વલણને પગલે મતદારે પગથીયા ચઢીને પહેલા માળે વોટીંગ કરવા જવુ પડ્યુ હતુ.

વસાવા બહાર બેસી રહ્યા
માંડવી બેઠકના ઉમેદવાર અને બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ સવારે 10 વાગ્યે મતદાન કર્યુ હતું.ત્યારબાદ એપીએમસીની ઓફિસમાં જઇને આખો દિવસ બેસી રહ્યા હતા.

માનસિંહ સંઘમાં જ રહ્યા
સુમુલના ચેરમેન અને મહુવા બેઠકના ઉમેદવાર માનસિંગ પટેલ સવારે પોતાના ઘરેથી મતદાન માટે આવ્યા હતા.જોકે,બાદમાં મહુવા સંઘની ઓફિસમાં બેસી રહ્યા હતા.

Share Now