બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અલ્લુ ગામે નહેરમાં એક ઇકો કાર ખાબકતાં ચાલકનું ડૂબી જવાથી મોત નીપજયું હતું.બારડોલી ફાયર બ્રિગેડની ટીમે કાર પાણીમાંથી બહાર કાઢી હતી.અંદરથી ચાલકની લાશ પણ મળી આવી હતી.મૃતક યુવક નજીકના દેલવાડાનો હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના અલ્લુ ગામની સીમમાંથી પસાર થતી નહેરમાં બુધવારે રાત્રે એક કાર ખાબકી હોવાની સૂચના મળતા જ બારડોલી ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.નજરે જોનારે માત્ર કાર જોઈ હતી જેના આધારે બારડોલી ફાયર અને સ્થાનિક તરવૈયાઓએ કારની શોધખોળ હાથ ધરી હતી. ફાયરની ટીમે દોઢથી બે કલાકની જહેમત બાદ નહેરમાંથી કાર મળી આવી હતી.કાર બહાર કાઢતા તેમાંથી ચાલકની લાશ પણ મળી આવી હતી.મૃતકની ઓળખ વાલોડ તાલુકાનાં દેલવાડા ગામના તળાવ ફળિયામાં રહેતા અનિલકુમાર વસંતભાઈ પટેલ (ઉ.વર્ષ 46) તરીકે થઈ હતી.પોલીસે લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી હતી.નહેર નજીકથી આઠસો મીટર દૂર પાણીમાંથી કાર મળી આવી હતી.કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી કારને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલી પડી હતી. ઘટના સ્થળે લોકોનું ટોળું થઈ ગયું હતું. રાત્રે ફાયરની ટીમે ક્રેઇનની મદદ વગર કારને બહાર કાઢી હતી.જેમાંથી યુવકની લાશ પાછળની સીટ પરથી મળી આવી હતી.બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.ટ્રાવેલિંગનો ધંધો કરતા યુવક અનિલ પટેલ કાર સાથે પાણીમાં ડૂબી જવાથી મોત થતા,પરિવારમાં પત્ની હીનાબેન પટેલે પતિ અને 2 છોકરાએ પિતાની છત્રછ્યા ગુમાવી છે.
કાર ચાલક મુંબઈ જવા માટે નીકળ્યો હતો
અનિલ પટેલ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને બુધવારે રાત્રે તે તેની ઇકો કાર નંબર જીજે 5 જેએલ 8408 લઈને મુંબઈ જવા માટે નીકળ્યો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.
કાર પૂરઝડપે હંકારતા સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
દેલવાડાના સુમનભાઈ ઈશ્વરભાઈ પટેલે આપેલી ફરિયાદ અનુસાર અનિલ પટેલે પોતાની કાર પૂરઝડપે હંકારી લાવી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને કાર નહેરમાં ખાબકી હતી.અનિલનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું.પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.