નવી દિલ્હી,તા.૨
સુપ્રીમ કોર્ટે ફંડ હાઉસ ફ્રેન્કલિન ટેમ્પલટનને તેની છ બંધ કરેલી સ્કીમ્સના નાણાં યુનિટ હોલ્ડરને પાછા આપવાનો આદેશ આપ્યો છે.જોકે,દેશની અગ્રણી ઈન્વેસ્ટર બોડી ચેન્નઈ ફાઈનાન્સિયલ માર્કેટ્સ એન્ડ એકાઉન્ટેબિલિટી (સીએફએમએ)એ આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને ફ્રેન્કલિન ટેમ્પલટનમાં રોકાણ કરનારા રોકાણકારોને બચાવવા વિનંતી કરી હતી. આ સમયે સંસ્થાએ દાવો કર્યો હતો કે દેશના ૧૦થી વધુ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પણ ફ્રેન્કલીન ટેમ્પલટનના માર્ગે આગળ વધી રહ્યા છે અને તે માત્ર સુપ્રીમ કોર્ટના ચૂકાદાની રાહ જોઈ રહ્યા છે.સંગઠને વધુમાં દાવો કર્યો હતો કે,ફ્રેન્કલિન ટેમ્પલટનની જેમ વિવિધ ફંડ હાઉસની ૧૦થી વધુ મ્યુચ્યુઅલ ફંડ્સ સ્કીમ્સ પણ બંધ થશે તો રોકાણકારોને ૧૫ લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થશે. વિવિધ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના ૩ કરોડથી વધુ યુનિટધારકોની એકમાત્ર આશા હવે સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે. તેના દાવાના સમર્થનમાં સીએફએમએ કોઈ ખુલાસો નથી કર્યો.જોકે,તેણે કહ્યું કે તેમને એવી માહિતી મળી છે કે ૧૦થી વધુ અન્ય મ્યુચ્યુઅલ ફંડ તેમનું નુકસાન યુનિટધારકોના માથે નાંખવા માગે છે.