રામમંદિર નિર્માણ માટે 600 કરોડનું દાન મળ્યું

331

નવી દિલ્હી તા.10 : અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે શિલ્પકારો-એન્જીનીયરો વગેરે એકત્રીત થયા છે જયારે મંદિર બાંધકામ દાન પેટે 600 કરોડથી વધુની રકમ મળી ગઈ છે.શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટીઓએ કહ્યું કે 20 દિવસમાં 600 કરોડનું દાન મળી ગયું છે.સમાજનો દરેક વર્ગ મંદિર નિર્માણમાં ફાળો આપવા આગળ આવી રહ્યો છે. 27 ફેબ્રુઆરી સુધી દાનઅભિયાન ચાલવાનું છે એટલે હવે બાકીના 18 દિવસોમાં પ્રવાહ વધવાનું અનુમાન છે.મંદિર નિર્માણમાટે ફંડ એકત્રીત કરવાની ઝુંબેશમાં ફૈઝાબાદનો મુસ્લીમ સમુદાય પણ આગળ આવ્યો છે.મુસ્લીમ રાષ્ટ્રીય મંચના સભ્ય હાજી સઈદ અહેમદે કહ્યું કે ભગવાન રામ તમામના છે અને રામમંદિર પણ સર્વ લોકોનું છે.મંદિર નિર્માણમાં મુસ્લીમો પણ યોગદાન આપશે. ભગવાન રામ હિન્દુસ્તાનના છે અને અમે પણ હિન્દુસ્તાનના જ છીએ.હિન્દુઓ સાથે ભાઈચારો જ છે.એવું બહાર આવ્યું છે કે 100 કરોડથી વધુનું દાન માત્ર મધ્યપ્રદેશથી મળ્યું છે. 10 લોકોએ એક કરોડથી વધુ અને 20 લોકોએ 50-50 લાખ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભવ્ય રામમંદિર નિર્માણ માટે ગત 15મી જાન્યુઆરીથી ફાળો ઉઘરાવવાનું શરુ કર્યુ હતું.ગત 5 ઓગષ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભૂમિપૂજન કરાયુ હતું.

Share Now