ભાજપના દબંગ MLA મધુ શ્રીવાસ્તવ સામે ફરિયાદ નોંધતાં પોલીસના હાથ ધ્રૂજે છે!

349

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્રની ચકાસણીના દિવસે અત્રેના જિલ્લા પંચાયત ભવન સંકુલમાં ચાલુ ઈન્ટરવ્યુ દરમિયાન ઈલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીને ઠોકાવી દેવાની ધમકી આપનાર ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે પોલીસ તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.ધારાસભ્ય સામે IPC 506 (2) પ્રમાણેની ફરિયાદ દાખલ કરવા પોલીસના હાથ કેમ ધ્રૂજે છે તેવી ચર્ચા શરૂ થઈ છે.

મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીને માણસ પાસે ઠોકાવી દેવાની ધમકી આપી હતી

વાઘોડિયા મત વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે ઈલેક્શન વોર્ડ નંબર 15માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ સરકારની ગાઈડલાઈનનો ભંગ થવાના કારમે દિપકનું ઉમેદવારી પત્ર રદ થયું હતું.આ દિવસે ખુદ મધુ શ્રીવાસ્તવ જિલ્લા પંચાયત ભવન સંકુલમાં કાર્યકરો અને ટેકેદારો સાથે હાજર રહ્યા હતા.ઈલેકટ્રોનિક મીડિયાના કર્મચારીઓ તેમનો ઈન્ટરવ્યુ લઈ રહ્યા હતા.ત્યારે મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીને માણસ પાસે ઠોકાવી દેવાની ધમકી આપી હતી જેનો વીડિયો વાઈરલ થયો હતો.

પોલીસના હાથ કેમ ધ્રૂજી રહ્યા છે તેવી ચર્ચા

ઈલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓ દ્વારા ધારાસભ્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ કમિશનર ડો. સમશેર સિંઘને પણ રજૂઆત કરી હતી.આમ છતાં નવાપુરા પોલીસ દ્વારા મધુ શ્રીવાસ્તવ સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તો પોલીસના હાથ કેમ ધ્રૂજી રહ્યા છે તેવી ચર્ચા શહેરના લોકો કરી રહ્યા છે.તો મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે આ મામલે માફી માગી છે અને કહ્યું છે કે મારા પિતાને સવાલ પુછતા રોષે ભરાય છે.

ભાજપ કેમ છાવરે છે મધુ શ્રીવાસ્તવને ?

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું જે પ્રકારનું વર્તન રહ્યું છે તે શિસ્તબદ્ધ ગણાતા ભાજપ માટે શરમીંદગીનો વિષય છે.આના કારણે પ્રજામાં પણ ભાજપની છાપ બગડી રહી છે અને પક્ષ ગુંડાગીરીને પ્રોત્સાહન આપતો હોવાનો મેસેજ જઇ રહ્યો છે. છતાં કેમ ભાજપના મોવડી મંડળ દ્વારા મધુ સામે કોઇ પગલા લેવામાં નથી આવી રહ્યા તેને લઇને લોકોમાં ચર્ચાઓ શરૂ થઇ છે.કારણ કે ગુજરાતમાં લોકોને આવી ગુંડાગીરી અને લુખ્ખાગીરી પસંદ નથી જો આવું જ રહ્યું અને સમયસર પગલાઓ લેવામાં ન આવ્યા તો ચૂંટણીમાં પણ પક્ષે ભોગવવાનો વારો આવે તેવું રાજકિય વિશ્લેેષકોનું માનવું છે.

Share Now