નવીદિલ્હી, તા.12 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ બે દિવસ પહેલાં રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે. તેમણે વિદાય આપતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રીતસરના રડી પડ્યા હતા.મોદીએ કહ્યું હતું કે ગુલામ નબી આઝાદ જેવા બીજા નેતા કોંગ્રેસને મળશે નહીં.આ ઉપરાંત તેમણે આઝાદ સાથે વીતાવેલો સમય પણ યાદ કર્યો હતો. આ ઘટનાક્રમ બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે આઝાદ ભાજપમાં જોડાઈ રહ્યા છે.જો કે હવે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતાં આઝાદે કહ્યું છે કે જ્યારે કાશ્મીરમાં કાળો બરફ પડવાનું શરૂ થશે ત્યારે તેઓ ભાજપમાં જોડાઈ જશે.
આઝાદે કહ્યું કે ભાજપ જ શા માટે, કાશ્મીરમાં જ્યારે કાળો વરસાદ પડશે એટલે હું ગમે તે પક્ષ સાથે જોડાઈ જઈશ.જે લોકો આવું કહે છે અથવા અફવાઓ ફેલાવે છે તેઓ મને ઓળખતાં નથી.જ્યારે રાજમાતા સિંધિયા (વિજયા રાજે સિંધિયા) વિપક્ષના ઉપનેતા હતા ત્યારે તેમણે ઉભા થઈને મારા ઉપર અમુક આક્ષેપો કર્યા હતા.આ પછી મેં ઉભા થઈને કહ્યું હતું કે હું આરોપોને બહુ ગંભીરતાથી લઉં છું અને સરકાર તરફથી (અટલ બિહારી વાજપેયી)ની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવાનું સુચન આપવા માંગું છું કે જેમાં વિજયા રાજે સિંધિયા અને લાલકૃષ્ણ અડવાણી સભ્ય હશે.મેં કહ્યું કે તેઓ 15 દિવસમાં રિપોર્ટ આપશે અને જે પણ સજા નક્કી કરશે તે હું સ્વીકારી લઈશ.
જેવું મને વાજપેયીનું નામ લીધું તો સવાલો ઉભા થવા લાગ્યા હતા.ગુલામ નબી આઝાદે મોદીના ભાવુક થવાનું કારણ પણ સમજાવ્યું હતું.તેમણે કહ્યું હતું કે 2006માં ગુજરાતની એક પ્રવાસી બસ પર કાશ્મીરમાં હુમલો થયો હતો ત્યારે હું તેમની સાથે વાત કરતા કરતાં રડી પડ્યો હતો. વડાપ્રધાન કહી રહ્યા હતા કે આઝાદ એવા વ્યક્તિ છે જેઓ ભલા માણસ છે.તેઓ પૂરી વાત બતાવી ન શક્યા કેમ કે તેઓને રડવું આવી ગયું હતું અને જ્યારે હું કહાની પૂરી કરવા માંગતો હતો તે પણ ન કરી શક્યો કેમ કે મને લાગતું હતું કે 14 વર્ષ પહેલાંના એ ક્ષણમાં પહોંચી ગયો હતો જ્યારે હુમલો થયો હતો.આઝાદે કહ્યું કે હું અને મોદી એકબીજાને 90ના દશકાથી ઓળખીએ છીએ. અમે બન્ને મહાસચિવ હતા અને ટીબી ડિબેટમાં પણ સાથે જતા હતા અને બહુ જ લડતા પણ હતા પરંતુ જો અમે જલ્દી પહોંચી જઈએ તો ચા પણ સાથે પીતા હતા.