50 લાખ સુધીની ટેકસ ચોરીના કેસો ધડાધડ ખુલવા લાગ્યા

270

નવી દિલ્હી તા.16 : કોરોનાકાળમાં ટેકસ વસુલાતમાં મોટો ઘટાડો છે તેવા સમયે પ્રમાણમાં નાની રકમની ટેકસ ચોરીના કેસો ખોલવાનું શરૂ કરાયું છે.આવકવેરા વિભાગ 50 લાખ સુધીની ટેકસ ચોરીના કેસો ધડાધડ ખોલવા લાગ્યુ છે.સંબંધીત કરદાતાને સાણસામાં લેવા તથ સર્ચ-સર્વે માટે ઈન્વેસ્ટીગેશન વિંગને મેદાનમાં ઉતારવામાં આવી રહી છે. 2015-16, 2016-17 અને 2017-18 ના આકારણી વર્ષના કેસો ખોલવામાં આવી રહ્યા છે.કારણ કે 31 મી માર્ચ પછી આ આકારણી વર્ષોનાં કેસો ખુલી નહીં શકે.

કેન્દ્ર સરકારનાં બજેટમાં આવકવેરા કેસો ખોલવાની સમય મર્યાદા વર્તમાન 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરી દેવામાં આવી છે. 50 લાખ કે તેથી વધુ રકમની ટેકસ ચોરીનાં સંજોગોમાં 100 વર્ષના હિસાબો-રીટર્ન પણ ખોલી શકવાની ખાસ જોગવાઈ રાખવામાં આવી છે.આ બજેટ દરખાસ્તો હજુ નોટીફાઈડ થઈ નથી એટલે આવકવેરા વિભાગે 50 લાખથી ઓછી ટેકસચોરી ધરાવતા કેસો રીઓપન કરવામાં ઝડપ વધારી દીધી છે.
કેન્દ્ર સરકાર તરફથી દેશભરની આવકવેરા કચેરીઓને એવી સુચના આપવામાં આવી છે કે 31 માર્ચે પુર્વે 50 લાખથી ઓછી રકમની ટેકસ ચોરીનાં કેસો ફટાફટ રીઓપન કરવામાં આવે કારણ કે પછી તે શકય નહી બને.સરકારની આ સુચના સામે ટેકસ અધિકારીઓએ એવો ગણગણાટ શરૂ થયો છે કે તેના ટેકસચોરોને પકડવા પર લાભ આપવાનાં સંજોગોમાં મોટા કેસો પર ધ્યાન નહિં આપી શકાય.
1લી એપ્રિલનાં નવા નાણાકીય વર્ષથી આવકવેરા અધિકારીએ માત્ર 2018-19 કે તે પછીના આકારણી વર્ષનાં કેસો જે રીઓપન કરી શકશે.50 લાખથી ઓછીની ટેકસ ચોરીમાં કેન્દ્ર સરકારે એક રીતે રાહત જ આપી છે. સર્ચ-સર્વે ઓછા થવા લાગશે અને સરકારને નોંધપાત્ર પ્રમાણમાં આવક ગુમાવવી પડશે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા રીઓપન કેસોનું લીસ્ટ પણ માંગ્યુ છે. બીજી માર્ચ સુધીમાં પહોંચાડવાની સુચના આપવામાં આવી છે.

ફાઈનાન્સીયલ ઈન્ટેલીજન્સ યુનિટ દ્વારા શંકાસ્પદ વ્યવહારોના અપાયેલા રીપોર્ટનાં આધારે પણ તપાસ કરવા ઈન્વેસ્ટીગેશન વીંગને સુચના આપવામાં આવી છે.પનામા તથા પેરેડાઈઝ સરકના કેસોમાં પણ તપાસ ઝડપી કરવા કહેવાયું છે.સ્વીઝ ખાતેદાર ભારતીયોનાં એસએસબીસી વીસ્ટની તપાસ જારી રાખવાની પણ સુચના આપવામાં આવી છે.કેન્દ્રીય બજેટમાં ટેકસ ચોરીનાં કેસો રીઓપન કરવાની એક હથ્થુ સતા પર સંપૂર્ણ લગામ મુકવામાં આવી છે.હવે હિસાબી આંકડાઓમાં ગરબડ કે વિસંગતતા સિસ્ટમમાં પકડાય કે કેગ દ્વારા રીપોર્ટ થાય અથવા સર્ચ-સર્વેમાં ટેકસ ચોરી ખૂલે તો જ જુના આકારણી વર્ષોનાં કેસ રીઓપન થઈ શકશે.

Share Now