નવી દિલ્હી તા.17 : દિલ્હી નજીક ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ભાજપ દ્વારા હવે એક રાષ્ટ્રીય વ્યુહ નકકી કરવાની તૈયારી છે અને તેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પંજાબ,હરિયાણા,રાજસ્થાન તથા પશ્ર્ચિમ ઉતરપ્રદેશના ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મેદાનમાં ઉતારવા જણાવ્યું છે અને તેઓ લોકો સુધી પહોંચીને કૃષિ કાનૂનના ફાયદા સમજાવી આંદોલનના વિરોધનો એક તખ્તો તૈયાર કરશે.દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પક્ષના મહામંત્રી બી.એસ.સંતોષ પણ હાજર હતા અને આ ચાર રાજયોના સાંસદો અને ધારાસભ્યોમાં પંજાબ અને હરિયાણાના તમામ તથા પશ્ર્ચિમ, ઉતરપ્રદેશ અને રાજસ્થાનના દિલ્હી સાથે જોડાયેલા કેટલાક જિલ્લાઓમાં ભાજપના ધારાસભ્યોને બોલાવાયા હતા.તેઓને સ્થાનિક ખાપ પંચાયત સાથે સંપર્ક કરવા અને કૃષિ કાનૂન અંગે તેઓને સંમત કરવા જણાવાયુ છે.હાલમાં જ ખેડૂત આંદોલનના અગ્રણીઓ જે રીતે મહાપંચાયત બોલાવી રહ્યા છે અને ખેડૂત આંદોલનને વધુ વેગ મળે તેવો પ્રયત્ન કરે છે. તેમને અટકાવવા અને પરિસ્થિતિ બદલવા માટે અમીત શાહ એકશનમાં આવી ગયા છે.