અમદાવાદ મ્યુનિ. ચૂંટણી LIVE : અમદાવાદના મેઘાણીનગરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, પોલીસના ધાડા ઉતર્યા

504

– અમદાવાદના નારણપુરામાં અમિત શાહે સપરિવાર મતદાન કર્યું
– શહેરમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોએ પણ મતદાન કર્યું હતું

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.સવારના 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી શહેરીજનો મતદાન બૂથ પર લાઈન લગાવીને ઉભેલા જોવા મળી રહ્યા છે.શહેરના વસ્ત્રાલમાં માધવ વિદ્યા વિહાર સ્કૂલમાં કોંગ્રેસના ઉમેદવાર આશિષ પટેલે EVM સામે વાંધો ઉઠાવ્યો છે.તેમણે ગરબડ થયાંની શંકા વ્યક્ત કરી છે.બીજી બાજુ મેઘાણીનગરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થતાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યાં છે.તેમજ ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી પર ત્યાં દોડી ગયાં છે.કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમરના કાર્યકતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જ્યાં તાત્કાલિક ડીસીપી ઝોન 4 સહિતનો પોલીસ કાફલો પોહચ્યો હતો. હાલમાં મામલો થાળે પડી ગયો છે.

મેઘાણીનગરમાં ભગવતી વિદ્યાલય પાસે પોલીસના ધાડા ઉતારી દેવાયા

નરોડામાં હસપુરા ગામના બુથ માં બબાલ થઈ હતી. બુથમાં આઈકાર્ડ વગરના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા તેને લઈને સ્થાનિક એ બબાલ કરી હતી.સવારથી લઈને અત્યાર સુધી આ વ્યક્તિ કોઈ નિમણૂક પત્ર વગર બેઠા હતા.તેઓ એ જણાવ્યું હતું કે મારી નિમણૂક થઈ છે ણ આઈ કાર્ડ નથી આપ્યું ત્યારબાદ સ્થાનિક એ હોબાળો કરતા પોલીસ અને ચૂંટણી અધિકારી એ આવી ને તપાસ કરી.સાથે સ્થાનીક એ હોબાળો કરતા ચૂંટણી અધિકારી એ 10:41 વાગે તેનો નિમણૂક પત્ર ઇસ્યુ કર્યું જેથી આ બુથની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. સાથે સ્થાનીક એ બોગસ વોટિંગ ના આક્ષેપ કર્યા છે.

80 વર્ષની ઉંમરના સંત ગોવિંદપ્રિયદાસજી સ્વામીએ પણ ઉમંગભેર મતદાન કર્યું

અમદાવાદના મણિનગર સ્વામિનારાયણ ગાદીના સંતોએ આજે વહેલી સવારે મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. 80 વર્ષની ઉંમરના સંત ગોવિંદપ્રિયદાસજી સ્વામીએ પણ ઉમંગભેર મતદાન કર્યું હતું.

યુવક સાથે મતદાન અધિકારીની માથાકુટ થતા ભાઈ બહેન મતદાન કર્યા વિના પરત ગયા

પાલડી વોર્ડમાં મતદાન કરવા આવેલા યુવક સાથે મતદાન અધિકારીની માથાકુટ થતા ભાઈ બહેન મતદાન કર્યા વિના પરત ગયા.મોબાઈલ ફોન પર વાત ના કરવા બદલ યુવકની મતદાન અધિકારી સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે મતદાન અધિકારી તરફથી ગેરવર્તણૂક થતાં યુવક અને તેની બહેન વોટ આપ્યા વિના પરત ફર્યા.પાલડી વોર્ડના વિકાસ ગૃહમાં ચાલી રહેલ મતદાન મથકમાં એક યુવક અને તેની બહેન મતદાન કરવા આવ્યા હતા.પોતાનાં નામની નોંધણી કરાવ્યા બાદ યુવકના મોબાઈલ ની રીંગ અગ્ટ યુવકે ફોન ઉપાડ્યો હતો જેથી ચૂંટણી અધિકારીએ આ તેને ઝાટકી કાઢ્યો હતો અને પોલીસ બોલાવવાની ધમકી આપી હતી જે બાદ યુવક લં ઉગ્ર થયો હતો અને રૂમમાંથી બહાર આવી ચૂંટણી અધિકારીઓને બોલીને બૂમો પાડી રહ્યો હતો જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા.ચૂંટણી અધિકારીઓ પણ રૂમની બહાર દોડી આવ્યા હતા અને મતદારને મનાવવા પ્રયત્ન કરવા લાગ્યા હતા પરંતુ મતદારે મારે મત નથી આપવો તેમ કહીને બહાર નીકળી ગયો હતો ત્યાં સુધી ચૂંટણી અધિકારીઓએ પણ તેને મનાવ્યો હતો અંતે 2 મતદારો મત આપ્યા વિના જ પરત ફર્યા હતા.

નરોડામાં આઈકાર્ડ વિના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા જેથી સ્થાનિકે બબાલ કરી

નરોડામાં આઈકાર્ડ વિના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા જેથી સ્થાનિકે બબાલ કરી
જમાલપુર વોર્ડ માટે શાહપુર વિસ્તારના મતદાન મથક પર મુસ્લિમ મહિલાઓમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાહપુર મિલ કમ્પાઉન્ડ પાસેની વિશ્વભારતી સ્કૂલના મતદાન મથક મતદારોની કતાર લાગેલી જોવા મળી રહી છે, જેમાં સૌથી રોચક વાત એ છે કે મુસ્લિમ મહિલાઓની મતદાન માટે પહોચી રહી છે અને તેમની કતાર લાગેલી જોવા મળી રહી છે. વિશ્વભારતી સ્કૂલમાં 5 બુથમાં મતદાન ચાલી રહ્યું છે, જેમાં પુરુષોની સામે મહિલા મતદારોએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

નારણપુરામાં દિવ્યાંગ પુત્ર સાથે પિતા મતદાન કરવા આવ્યા

નારણપુરામાં રહેતા જયેશ શાહ આજે મતદાન કરવા આવ્યા હતા.તેઓના પુત્ર મિતુલ શાહ દિવ્યાંગ છે તેઓ ચાલવામાં પણ તકલીફ પડે છે સાથે તેઓ કોઈની જોડે વાત પણ નથી કરતા.પરંતુ તેમને આટલી તકલીફ હોવા છતાં તેઓ આજે મતદાન કરવા માટે આવ્યા હતા.તેઓ ઘરે તેમના પિતાને કહ્યું કે હું દરેક ચૂંટણી માં મતદાન કરીશ. તેમના પિતા એ જણાવ્યું કે મારો પુત્ર દિવ્યાંગ છે એને અહીંયા સુધી આવવામાં ઘણી તકલીફ પડી છે. છતાં મારા પુત્ર એ કહ્યું એટલે એને લઈને આવ્યો છું અને આવી રિતે દરેક ચુંટણી માં મતદાન કરવા માટે આવશે.

મતદાન બંધ રહેતા કોંગ્રેસના ઉમેદવારો દ્વારા લેખિત ફરિયાદ

જુહાપુરામાં આવેલ એ વન સ્કૂલમાં 16 નંબરના રૂમમાં મશીન બંધ થઈ જતાં 45 મિનિટ જેટલો સમય મતદાન અટક્યું હતું.જે અંગે હોબાળો થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.મશીન બંધ થતાં ઉમેદવારો દ્વારા ફોન કરીને ચૂંટણી અધિકારીને જાણ પણ કરવામાં આવી હતી અને બાદમાં મશીન સિલ કરીને બીજું મશીન મૂકવામાં આવ્યું હતું. 45 મિનિટ જેટલો સમય મતદાન બંધ રહેતા કોંગ્રેસના ઉમેદવારો દ્વારા લેખિત ફરિયાદ કરીને ફેક્ષ દ્વારા ચૂંટણી અધિકારીને પણ મૂકવામાં આવી હતી.કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જેટલો સમય મતદાન અટક્યું તેટલો સમય મતદાનનો સમય વધારી આપવા માંગ કરી છે.હાલ રૂમ નંબર 16મા મશીન ફરીથી ચાલુ થઈ જતાં મતદાન ફરીથી શરૂ થયું છે.

રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન નારણપુરા સરકારી શાળામાં પરીવાર સાથે મતદાન કર્યું અને સાથે જણાવ્યું કે ભાજપ એ કરોડો રૂપિયા અમદાવાદના વિકાસ માટે ખર્ચ્યા છે મને વિશ્વાસ છે કે લોકો ભાજપને વધુ મત આપશે.સાથે ગુજરાતમાં 2 પાર્ટી સિવાય કોઈ નવી પાર્ટી ન ચાલે અને તેમને આડકતરી રીતે શંકરસિંહ બાપુ પર કટાક્ષ કરતા કહ્યું કે અનેક કદાવર નેતા અહીંયા નવી પાર્ટી લઈને આવ્યા પણ કોઈ ચાલ્યું નહીં. કોંગ્રેસ પણ આંતરિક વિખવાદ ના કારણે તૂટી ગઈ છે જેથી એ પણ ફેલ છે.સાથે નરહરિ અમીનએ નારણપુરા બુથમાં જ મત આપીને મીડિયાને પ્રતિક્રિયા આપી હતી. જોકે નિયમ મુજબ બુથની આજુબાજુના 100 મીટર માં કોઈ રાજકીય નિવેદન ના આપી શકાય જેને લઈને પણ વિવાદ સર્જાયો છે.

રાજ્યસભાના સાંસદ નરહરી અમીને નિવેદન આપતાં વિવાદ સર્જાયો

બાપુનગર વિસ્તારમાં આવેલી શ્રીજી વિદ્યાલયમાં 17 વર્ષીય દોહિત્રી હરિતા રાઠોડ તેમના નાના- નાનીને લઇ મતદાન આપવા આવી હતી. બાપુનગર ઘંટી સ્ટેન્ડ ખાતે રહેતા 73 વર્ષના લાસુબેન રાઠોડ અને 78 વર્ષના મધુભાઈ રાઠોડ મતદાન કરવા આવ્યા હતા. તેમની દોહિત્રી ઘરેથી હાથ પકડી અને તેમને મતદાન કરવા માટે લઈને આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે મતદાન કરવું જરૂરી છે જેથી તેઓ નાના-નાનીને લઈને આવ્યા છે. હું એક વર્ષ બાદ મતાધિકારનો ઉપયોગ કરી શકીશ.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સવારે કેટલીક સોસાયટીમાં મતદારોને ભાજપ દ્વારા ઘરે ઘરે મતદાનની સ્લીપ આપવામાં આવી હતી. જેમાં મતદાન મથક ખોટા હોવાથી મતદારો અકળાયા હતા. બાપુનગર વોર્ડમાં ભાગ 47માં અરવિંદપાર્ક, અરવિંદનગર સોસાયટીની આસપાસની સોસાયટીઓ આવે છે. જેમને મ્યુનિસિપલ સ્કૂલ નંબર 14-15માં મતદાન કરવાનું હોય છે પરંતુ મતદાનની સ્લીપમાં શ્રીજી વિદ્યાલય લખાઈને આવ્યું હતું. જેથી લોકો હેરાન થયા હતા.

સ્લીપમાં લખેલા મતદાન મથક પર ગયો ત્યારે ત્યાં મારુ નામ નહોતું.

ગજેરા રમેશભાઈએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપની મતદાન માટેની સ્લીપ અમારા ઘરે આવી હતી જેમાં ભાગ 47માં મતદાન માટે શ્રીજી વિદ્યાલયમાં જવાનું લખ્યું હતું પરંતુ જ્યારે હું શ્રીજી વિદ્યાલયમાં ગયો ત્યારે મારુ નામ ત્યાં નથી તેવું કહ્યું હતું. તેની સામે આવેલી સ્કૂલમાં ગયો ત્યાં પણ પ્રિસાઇડીગ ઓફિસરે નામ નથી તેવું કહ્યું હતું. જેથી અમે મુંઝવણમાં મુકાઈ ગયા હતા. બાદમાં મ્યુનિસિપલ શાળા નંબર 14-15માં ગયા હતા ત્યારે ત્યાં અમારું નામ હતું અને ત્યાં મતદાન કર્યું હતું. અમારી આખી સોસાયટી અને આસપાસના સોસાયટીનું મતદાન મ્યુનિસિપલ શાળા નંબર 14-15માં છે જો કે સ્લીપમાં ખોટું મતદાન મથક લખાઈને આવ્યું હતું.

નિવૃત્ત પોલીસ અધિકારી તરુણ બારોટે મતદાન કર્યું

અમદાવાદ શહેરમાં સવારે સાત વાગ્યાથી કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન ની શરૂઆત થઈ છે, જેમાં શહેરના ખાડીયા અને દરિયાપુર વિસ્તારમાં પહેલા 2 કલાક દરમિયાન નીરસ વાતાવરણ જોવા મળ્યું, એટલે કે એકલ દોકલ મતદારો મતદાન મથકે જોવા મળ્યા. સામાન્ય રીતે સવારે 7 વાગ્યાથી 10ના સમયગાળા દરમિયાન મતદારો, ભીડ થી બચવા માટે મતદાન કરી દેતા હોય છે, પરંતુ આ બન્ને વિસ્તારમાં સ્થિતિ અલગ જોવા મળી રહી છે અને શરૂઆતના તબક્કામાં મતદાન મથકે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે.નિવૃત પોલીસ અધિકારી તરુણ બારોટે બાપુનગર શ્રીજી વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું. બાદમાં તેમણે કહ્યું હતું કે આજે મતદાન કરવાનો દિવસ છે અને અતિ મહત્ત્વપૂર્ણ છે.

શરૂઆતના તબક્કામાં મતદાન મથકે ઠંડો માહોલ જોવા મળી રહ્યો છે

અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં મતદાનની ગતી ધીમી ચાલી રહી છે. મોટા ભાગે સિનિયર સિટિઝનો મતદાન કરવા માટે આવી રહ્યાં છે. બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલમાં સિનિયર સીટીઝન માટે કોઈ વ્યવસ્થા નહિ. લાઈનમાં ઉભુ રહેવા પડે છે. નવરંગપુરામાં અનેક દંપત્તિઓએ બાળકો સાથે મતદાન કર્યું છે. શહેરમાં વહેલી સવારે એક કલાકના મતદાનમાં વૃદ્ધો અને યુવાનો મત આપવા આવ્યા હતા. અમદાવાદમાં એક કલાકમાં 5 ટકા મતદાન થયુ છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ પણ મતદાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભાજપે કોર્પોરેશનને કોર્પોરેટ બનાવી દીધું છે. લોકો મંદી અને મોંઘવારીથી ત્રસ્ત થઈ ગયાં છે. થલતેજના ભાવિન વિદ્યાલયમાં કોંગ્રેસ શહેર પ્રમુખ શશીકાંત પટેલે મતદાન કર્યું હતું.

અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ મત આપવા માટે આવી પહોંચ્યા

થલતેજ વોર્ડના એશિયા સ્કૂલમાં મતદાન અધિકારીઓ જ માસ્ક વિના જોવા મળ્યા, મતદારોની સ્લીપ લેનાર અને મતદાન કરાવનાર અધિકારી માસ્ક વિના નજરે પડ્યાં હતાં. નારણપુરામાં 70 વર્ષેના વૃદ્ધએ મતદાન કર્યું હતું, અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ મત આપવા માટે આવી પહોંચ્યા ,વૃદ્ધ એ કહ્યું કે આ આપણો અધિકાર છે અને આ પવિત્ર પર્વ છે જેથી હું મારો પવિત્ર વોટ આપવા માટે આવ્યો છું

75 વર્ષની ઉંમરે પગમાં ચાલવાની તકલીફ હોવા છતાં વૃદ્ધાએ લાઈનમાં ઉભા રહને મત આપ્યો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા 75 વર્ષની ઉંમરે પગમાં ચાલવાની તકલીફ હોવા છતાં તેઓ રીક્ષા કરી અને બાપુનગર ઇન્દુલાલ યાજ્ઞિક હોલ ખાતે મતદાન કરવા આવ્યા હતા. મતદાન બાદ તેઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મારા પગ ચાલશે ત્યાં સુધી હું મારા મતાધિકારનો ઉપયોગ કરીશ.અમદાવાદમાં 70 વર્ષની ઉંમર અને પગ તથાં કરોડરજ્જુમાં તકલીફ હોવાથી લાકડીના સહારે ચાલતા સુરેશ પટેલ નામના વૃદ્ધે યુનિવર્સિટી પાસેની એ.જી. હાઈસ્કૂલમાં મતદાન કર્યું છે, તેમણે કહ્યું હતું કે મતદાન મારો હક છે અને તમામ લોકોએ ચૂક્યા વિના મતદાન કરવું જોઈએ તેવી લોકોને અપીલ પણ કરી હતી.

ભાજપની સ્લીપ સાથે મતદારો મત આપવા ઘુસી ગયા

અમદાવાદ નારણપુરાના તમામ મત કેન્દ્ર પર હેન્ડ ગ્લોસ આપવામાં આવતા નથી. કેટલાક બુથ પર બાજુ માં મૂકી દીધા છે તો કેટલાક બુથ પર તો પેકેટ તોડવામાં જ નથી આવ્યું. ટકોર કર્યા બાદ હેન્ડગ્લોસ વોટર્સ ને આપવામાં આવ્યા, સાથે નારણપુરાના તપોવન વિદ્યાલય માં ભાજપની સ્લીપ સાથે વોટર્સ અંદર સુધી આવી ગયા અને કોઈ એ તેમને ચકાસ્યા નહીં,નારણપુરાની સરકારી શાળાના બુથ માં પણ ભાજપની સ્લીપ સાથે વોટિંગ કરતા વ્યક્તિ નજરે પડ્યા. બાપુનગર ગુજરાતી શાળા નંબર 14-15ની 100 મીટરની હદમાં કોંગ્રેસના ધ્વજ લહેરાય છે. આચારસંહિતા નિયમ મુજબ 100 મીટરમાં કોઈ પક્ષના ધ્વજ કે પ્રતીક લગાવવા પર પ્રતિબંધ છે.

શહેરના 48 વોર્ડની 192 બેઠકમાંથી 191 સીટ માટે 771 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાં ભાજપના 191 અને કોંગ્રેસના 188 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ છે. જ્યારે નારણપુરાથી બક્ષીપંચની રિઝર્વ બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ચંદ્રિકા રાવળે ફોર્મ પરત ખેંચતા ભાજપ આ બેઠક કબ્જે કરી ચૂક્યો છે. જેને પગલે નારણપુરા વોર્ડના મહિલા ઉમેદવાર બિન્દા સુરતી બિનહરીફ જાહેર થયા છે.

ઉલ્લેખનીય છે કે, 2015ની ચૂંટણીમાં 46.51 ટકા મતદાન થયું હતું. તેમજ 192 બેઠકમાંથી ભાજપે 143 બેઠક પર જ્યારે કોંગ્રેસે 48 બેઠક પર જીત મેળવી હતી અને એક બેઠક અપક્ષને મળી હતી.અમદાવાદની નવી મતદાર યાદી મુજબ 48 વોર્ડમાં 24 લાખ 14 હજાર 483 પુરુષ મતદારો, 22 લાખ 9 હજાર 942 મહિલા મતદારો અને 167 થર્ડ જેન્ડર મતદારો મળીને કુલ મતદારોની સંખ્યા 46 લાખ 24 હજાર 592 થઈ ગઈ છે.

સૌથી વધુ મતદારો વટવામાં તો સૌથી ઓછા વેજલપુરમાં

શહેરમાં સૌથી વધુ મતદારો વટવાના 1,28,927 અને સૌથી ઓછા વેજલપુર વોર્ડના 77,350 નોંધાયા છે. કુલ 7,33,511 મતદારોનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, 2015ની ચૂંટણીમાં 20,42,587 પુરૂષો, 18,48, 494 મહિલાઓ સાથે કુલ મતદારોની સંખ્યા 38, 91, 081ની હતી. જ્યારે 2021ની અગાઉની યાદીમાં 23,76,676 પુરૂષો, 21,5,509 મહિલાઓ સાથે કુલ મતદારોની સંખ્યા 45,52, 334 થતી હતી.

થર્ડ જેન્ડરને પહેલીવાર અલગથી ગણતરીમાં લેવાયા

હવે મતદારોની કુલ સંખ્યા વધીને 4624592ની થઈ છે. એટલે કે 2015ની ચૂંટણીની સરખામણીએ 7,33,511 મતદારોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષમાં વધી છે. જોકે, તેમાં નવા ભળેલા બોપલ- ઘુમા સહિતના વિસ્તારો પણ જવાબદાર છે. થર્ડ જેન્ડરને પહેલી વખત અલગથી ગણતરીમાં લેવાયા છે.

પશ્ચિમઃ 2015માં ભાજપને 66 તો કોંગ્રેસને પાસે 6 બેઠક મળી

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં 18 વોર્ડમાં 72 બેઠકો છે. 2015 ચૂંટણીમાં ભાજપે અહીં સપાટો બોલાવી 66 બેઠકો કબજે કરી હતી તો સામે કોંગ્રેસને માત્ર 6 બેઠકો મળી હતી. જે પૈકી માત્ર મક્તમપુરા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી શકી હતી જ્યારે ચાંદખેડા અને સરખેજ વોર્ડમાં એક-એક બેઠક મળી હતી. જ્યારે ભાજપની 15 વોર્ડમાં પેનલ જીતી હતી. જ્યારે ચાંદખેડા અને સરખેજ વોર્ડમાં ત્રણ-ત્રણ કોર્પોરેટર જીત્યા હતા.

કોટ વિસ્તારઃ કોંગ્રેસને 9 તો ભાજપને 7 બેઠક મળી હતી

શહેરના કોટ વિસ્તારમાં ચાર વોર્ડ છે. અહીં 2015ની ચૂંટણીમાં કોંગ્રેસે આઠ બેઠકો જીતી હતી, જ્યારે એક અપક્ષ કોર્પોરેટર જીત્યા હતા જે કોંગ્રેસમાં ભળ્યા હતા. જેથી કોંગ્રેસની પાસે કુલ 9 બેઠકો છે જ્યારે ભાજપ પાસે 7 બેઠકો છે. કોંગ્રેસ દરિયાપુરની એક પેનલ જીતી હતી. જ્યારે ભાજપે ખાડિયાની એક પેનલ જીતી હતી.બાકી બે વોર્ડમાં પેનલો તૂટી હતી.

પૂર્વ વિસ્તારઃ ભાજપે 69 અને કોંગ્રેસે 35 બેઠકો જીતી હતી

શહેરના પૂર્વ વિસ્તારમાં 26 વોર્ડ છે અને કુલ 104 બેઠકો છે. પૂર્વ વિસ્તાર એ સૌથી વધુ બેઠકો ધરાવતો વિસ્તાર છે. 2015ની ચૂંટણીમાં ભાજપે અહીં 69 બેઠકો ઉપર કબજો કર્યો હતો જ્યારે કોંગ્રેસે 35 બેઠકો જીતી હતી. 2010ની ચૂંટણી પછી કોંગ્રેસે અહીં નોંધપાત્ર બેઠક વધારી હતી. ખાસ કરીને ઇન્ડિયા કોલોની વોર્ડ અને વિરાટનગર વોર્ડમાં તેમણે સારુ પ્રદર્શન કર્યું હતું, જે એક વખતે ભાજપના ગઢ ગણાતાં કેટલાંક વોર્ડમાં ગાબડું પડ્યું હતુ જો કે, તે વખતે પાટીદાર ફેક્ટરે પણ ભાગ ભજવ્યો હતો.

Share Now