ખાનગીકરણ પાછળ આવો છે PMનો માસ્ટર પ્લાન !

350

– કોરોનાની રાજકોષીય ખાધની મોદીએ સ્વબળે પુર્તતા કરી!

– ૧૦૦ જેટલા માંદા જાહેર સાહસોનું ખાનગીકરણ કરી મોદી સરકાર રૂ.૨.૫ લાખ કરોડ ઉભા કરશે

જેનો રાજા વેપારી.તેની પ્રજા ભિખારી.સુત્રને વડાપ્રધાન મોદીએ આત્મસાત કર્યું છે.જેથી હવે દરેક ડગલુ સરકારનું એવું રહેશે જ્યાં રાજા માત્ર રાજ કરી પ્રજાની સુખાકારી જુએ અને વેપાર કરવાનું કામ અન્યને સોંપી દે.વડાપ્રધાન મોદીની સરકાર હવે વિવિધ ક્ષેત્રોમાં રહેલા જાહેર સાહસોમાંથી તબક્કાવાર પોતાનું રોકાણ ઘટાડશે.આવા સાહસોને ખાનગી ક્ષેત્રને સોંપી દેવાશે.એકંદરે કેન્દ્ર સરકાર હવે વેપાર કરવાના હેતુથી ઉભા કરાયેલા તમામ જાહેર સાહસોને બંધ કરશે.

તાજેતરમાં મોદી સરકારે ૧૦૦ જેટલા માંદા જાહેર સાહસોને ઓળખી કાઢ્યા હતા.જેનું ખાનગીકરણ કરી રૂા.૨.૫ લાખ કરોડ ઉભા કરવાની ગણતરી છે.આ પૈસાથી રાજકોષીય ખાધ ઘટાડી શકાશે.સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ વધે તો પણ ચિંતાની બાબત નથી તેવા સંકેતો આપ્યા હતા.સામાન્ય રીતે રાજકોષીય ખાધના માધ્યમથી દેવું કરીને ઘી પીવા જેવી ઉક્તિ અનુસાર સરકાર આગળ વધી રહી છે.જ્યાં ખાધ એ માટે ઉભી કરાય છે જેનાથી લાંબાગાળે વળતર મળે જે તે ક્ષેત્ર સશક્ત બને અને ખાધથી જે પૈસાનો ખર્ચ થાય છે તે અલગ અલગ સોર્સના માધ્યમથી ઉભા કરાશે.જેનું પ્રથમ ડગલુ ખાનગીકરણની પ્રક્રિયા છે.

તાજેતરમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, માત્ર એ માટે જાહેર ક્ષેત્રના એકમો ચલાવી ન શકાય કે તેઓ દાયકાથી ચાલતા આવ્યા છે.સરકારનું કામ વેપાર કરવાનું નથી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વેપાર કરવો એ સરકારનું કામ નથી.જ્યારે પબ્લિક સેક્ટરની શરુઆત કરવામાં આવી હતી,ત્યારે તેની જરુર હતી.આજે ખાનગીકરણની જરુર છે.લોકોના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય તે માટે ખાનગીકરણ કરવું જરુરી છે.તેમણે કહ્યું કે ઘણા બધી એવી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ છે,જે ખોટમાં ચાલી રહી છે.સરકારે વારંવાર આવી કંપનીઓની મદદ કરવી પડે છે અને તેમાં કરદાતાઓના પૈસાનો જ ઉપયોગ થાય છે. સરકારી કંપનીઓને માત્ર એટલા માટે ના ચલાવવી જોઇએ કે તે વારસમાં મળી છે.ખોટમાં ચાલતી આવી કંપનીઓને ચલાવવાથી દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થાય છે. વેપાર કરવો એ સરકારનું કામ નથી. સરકારનું ધ્યાન તો જનકલ્યાણ પર હોવું જોઇએ. સરકાર પાસે ઘણી બધી એવી સંપતિઓ છે,જેનો પુરી રીતે ઉપયોગ પણ થતો નથી.આવી ૧૦૦ જેટલી સંપતિઓના ખાનગીકરણથી સરકાર ૨.૫ લાખ કરોડ રુપિયા મેળવશે.

ખાનગીકરણ વડે જે પૈસા આવશે તેનો ઉપયોગ જનતાના હિત માટે કરવામાં આવશે.કેન્દ્ર સરકાર મુદ્રીકરણ અને આધુનિકરણ પર ધ્યાન આપી રહી છે.તેમની સરકાર ચાર મહત્વના ક્ષેત્રો છોડીને તમામ ક્ષેત્રોના જાહેર એકમોનું ખાનગીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

ફેબ્રુઆરીમાં જાહેર થયેલા સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ડિસઇન્વેસ્ટમેન્ટથી ૧.૭૫ લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની સરકારની યોજના છે.એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર જુલાઇ-ઓગસ્ટ સુધી એર ઇન્ડિયા અને બીપીસીએલ અંગે ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના પૂરી કરવાની તૈયારી કરી રહી છે.વર્ષ ૨૦૧૪માં જે સમયે એનડીએ સરકાર સત્તામાં આવી ત્યારથી જ ખોટમાં જતાં જાહેર સાહસોના ખાનગીકરણની વાત ચર્ચાવા લાગી હતી.ખાસ કરીને એર ઈન્ડિયા જેવી મોટી કંપની ઉપર સરકારનું ધ્યાન કેન્દ્રીત હતું.એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરવા સરકારે અનેક પ્રયત્ન કર્યા હતા.

આવી જ રીતે એચપીસીએલથી ઓએનજીસી જેવા મામલે પણ ખાનગીકરણ કરવાની વાત સામે આવી હતી.હવે સરકારનું સમગ્ર ધ્યાન બેન્કિંગ સેકટર ઉપર છે.સરકારે એવી કેટલીક બેંકો ઓળખી કાઢી જ્યાં પોતાનો હિસ્સો ખાનગી કંપનીને સોંપી શકાય.

ઓઈલ,ગેસ,એરપોર્ટ,ઉર્જા સહિતના ઘણા એવા સેકટર છે જ્યાં સરકારના સાહસો નુકશાનમાં છે.આવા સાહસોને ખાનગી સેકટરને સોંપી દેવાથી સરકારનું ભારણ ઘટશે અને આ સાહસો વિકાસ પણ કરી શકશે.એકંદરે સરકાર પાસે રૂા.૨.૫ લાખ કરોડ આવશે.જેનો ઉપયોગ સરકાર વિકાસ માટે કરી શકશે.વર્તમાન સમયે સરકારે એવી કેટલીક સરકારી બેંકો ખાનગીકરણ કરવાનો વિચાર કર્યો છે જે ખોટમાં છે.અત્યારે દેશમાં અનેક આંતરરાષ્ટ્રીય બેંકો પગદંડો જમાવવાનો પ્રયાસ કરે છે.સારી ગુણવત્તાની સર્વિસના કારણે લોકો આવી બેંકો તરફ વળ્યા છે ત્યારે સરકારી બેંકો પોતાનો ધંધો ગુમાવી દે તેવી દહેશત છે.સરકાર આવી બેંકોને અપગ્રેડ કરવાની જગ્યાએ ખાનગી સેકટરને સોંપી દેશે પરિણામે બેંન્કિંગ સેકટરમાં ભારે હરિફાઈ જોવા મળશે.આ ઉપરાંત ધિરાણમાં પણ લોકોને સારી સગવડો મળશે.

પેન્શન અને નાની બચત યોજના સહિતના સરકારી ટ્રાન્જેકશન ખાનગી બેન્કો કરી શકશે

ટેકસ,પેન્શન અને નાની બચત યોજનાઓ સહિતની કામગીરીમાં થતાં ટ્રાન્જેકશન હવે માત્ર સરકારી બેંકો પુરતા જ સીમીત નહીં રહે.નાણા મંત્રાલયે ખાનગી બેંકોને પણ આ કામગીરી માટે મંજૂરી આપવાની તૈયારી કરી છે.તાજેતરમાં નાણા મંત્રી નિર્મલા સીતારમને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,પ્રાઈવેટ સેકટરની બેંકો પણ દેશના વિકાસમાં એક સમાન ભાગીદાર બનશે.હવે સરકારી યોજનાઓની નાણાકીય લેવડ દેવડમાં ખાનગી બેંકોને અવકાશ આપવામાં આવશે.પ્રારંભીક તબક્કે પસંદગીની બેંકોને સરકાર આધારિત ટ્રાન્જેકશનની છુટ અપાશે. ત્યારબાદ તેનો વ્યાપ વધારવામાં આવશે.

સરકારની દુરંદેશીના કારણે ૧૦૦૦ જેટલા પ્લેન ભાડે આપવાની કંપનીઓ પણ ભારતમાં

તાજેતરમાં ગાંધીનગર ખાતેના ગીફ્ટ સિટીમાં અપાયેલા પ્રોત્સાહનોથી આકર્ષીત થઈને ૧૦૦૦ જેટલા હેલીકોપ્ટર-પ્લેન ભાડે આપનાર એકમોએ ગિફટ સિટીમાં વ્યવસાય વિકસાવવાની મંજૂરી માંગી હતી.દેશમાં એરક્રાફટ ભાડે આપવાનો ધંધો ખુબજ ઝડપથી વિકસી રહ્યો છે.દેશમાં ૧૦૦૦ જેટલા એરક્રાફટ ભાડે આપવામાં આવશે.વડાપ્રધાન મોદીએ ઉદ્યોગ ક્ષેત્રે દાખવેલી દુરંદેશીના પરિણામે ગાંધીનગર સહિત દેશભરમાં ઉદ્યોગોને વેગ મળી રહ્યો છે.નવા માઈલ સ્ટોન ઉદ્યોગો હાસલ કરી રહ્યાં છે. દેશમાં ખાનગી સેકટર ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

જાહેર બેંકોના ખાનગીકરણનો કોળીયો સડસડાટ ઉતરી જશે

જાહેર ક્ષેત્રોની કેટલીક બેંકોના ખાનગીકરણ માટે સરકારે કવાયત હાથ ધરી છે. ૨૦૨૧ના બજેટમાં જ બેંકોના ખાનગીકરણની વાતો સરકારે કરી હતી. દેશમાં કુલ બેંકોની એસેટ ૨.૫૨ ટ્રીલીયન ડોલર છે. જેનાથી જાહેર ક્ષેત્રની બેંકોનો ફાળો ૧.૫૨ ટ્રીલીયન ડોલરનો છે. અત્યારે આંતરરાષ્ટ્રીય અને દેશની ટોચની બેંકો દ્વારા ગ્રાહકોને અપાતી સેવા સારી હોવાથી અનેક લોકો આવી સેવાનો ઉપયોગ કરી રહ્યાં છે.જો કે,જાહેર ક્ષેત્રની બેંકો હજુ ખાનગી બેંકો જેવી નથી. આ ઉપરાંત ચીન,અમેરિકા,યુકે જેવા દેશોમાં ખાનગી બેંકો વધુ સક્ષમ છે.ભારતમાં પણ જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરી બેન્કિંગ સેકટરને વધુ મજબૂત બનાવવામાં આવશે.ખાનગીકરણના કારણે કરોડો રૂપિયા સરકારને મળશે જેનો ઉપયોગ કલ્યાણકારી યોજનાઓમાં થઈ શકે છે.સરકાર જાહેર બેંકોના ખાનગીકરણનો કોળીયો સડસડાટ ગળે ઉતારશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા ખાનગીકરણ માટે નવું ઓનરશીપ સ્ટ્રકચર ઘડવામાં આવશે.

ઘર જમાઈ જેવા કેટલાંક સરકારી સાહસોની વિદાય નિશ્ચિત

એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયા બાદ એચપીસીએલ, બીપીસીએલ જેવી મસમોટી જાહેર ક્ષેત્રની કંપનીઓ તેમજ ઓઈલ, ગેસ,ખનીજ,બેન્કિંગ,એટર્નોમિક એનર્જી,ટ્રાન્સપોર્ટેશન જેવા ક્ષેત્રોની કંપનીઓની વિદાય નિશ્ર્ચિત છે.અનેક કંપનીઓ એવી છે જે ખોટમાં ચાલી રહી છે.આવી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે.અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે, વર્ષો પહેલા કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર જાહેર ક્ષેત્રની કંપનીઓ સ્થાપવામાં આવી હોય.આ કંપનીઓ સ્થાપવાનો ઉદેશ્ય અલગ હોય જો કે આજના જમાનામાં આ ઉદ્દેશ્ય અલગ છે તે સમયે સરકારની ગણતરી અલગ હતી.હવે સરકાર ભારણ રાખવામાં માગતી નથી.સરકાર પાસે રાજકીય ખાધ જેવા મુદ્દાઓ છે.આ ઉપરાંત લોક કલ્યાણની યોજના પણ ચલાવી છે.પરિણામે કોઈને કોઈ રીતે પૈસાની જરૂર છે.નાણાના સોર્સ ઉભા કરવા સરકારે પ્રથમ ડગલે ખાનગીકરણનો વિષય પસંદ કર્યો છે.

Share Now