સુરતના પાંડેસરામાં મધરાત્રે બે ઈસમ પર 3થી 4 રાઉન્ડ ફાયરિંગ કરાતાં ભાગદોડ ,એકને માથામાં સળિયો મારી લોહીલુહાણ કરી નાખ્યો

404

– ગોળીબારમાં એકને પીઠ પર ગોળી વાગતાં જમીન પર ઢળી પડ્યો

સુરત : સુરતના પાંડેસરામાં દેવેન્દ્રનગર બહાર મધરાત્રે બે ઈસમ પર ફાયરિંગ કરાતાં ભાગદોડ મચી ગઇ હતી.ઇકો કારમાં આવેલા 4-5 જણાએ કરેલા ગોળીબારમાં એકને પીઠ પર ગોળી વાગતાં જમીન પર ઢળી પડ્યો હતો,જ્યારે બીજાને હુમલાખોરોએ માથામાં સળિયાથી હુમલો કરતાં લોહીલુહાણ કરી હુમલાખોરો ભાગી ગયા હતા.

ઘટનાની જાણ બાદ 108માં બન્નેને સારવાર માટે સિવિલ લવાતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.જ્યારે આ ફાયરિંગપ્રકરણમાં હુમલાખોર એકને પોતાના જ હાથમાં મિસ ફાયર થયા બાદ ઘવાયો હોવાનું અને જાતે જ 108માં કોલ કરી સારવાર માટે સિવિલ આવતાં પોલીસના હાથે ચઢ્યો હોવાનું સામે આવ્યું છે.જોકે ફાયરિંગ અને હુમલા પાછળનું કોઈ યોગ્ય કારણ બહાર ન આવતાં અનેક પ્રશ્નો ઊભા થાય છે.પાંડેસરા પોલીસના પીઆઈ રબારીની સતર્કતાને લઈ ફાયરિંગપ્રકરણમાં તમામ આરોપીઓ પકડાય ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

નિખિલ બધોરિયા (કેટરર્સમાં લેબર કોન્ટ્રેક્ટર)એ જણાવ્યું હતું કે ફાયરિંગ લગભગ મધરાત્રે 12:05 મિનિટ પર થયું હોય એમ કહી શકાય છે.હુમલાખોર સતેન્દ્ર સિંગ મારા તમામ કારીગરોને પતાવી દેવાના ઇરાદે જ આવ્યો હતો.કિલદીપ રામ નિવાસ સિંગ (ઉં.વ.22) અને મારો ભાઈ શાતુ રાઘેન્દ્ર સિંગ (ઉં.વ. 22)ને જોઈ ઉપરાઉપરી 3થી 4 રાઉન્ડ ગોળીબાર કરતાં ભાગદોડ મચી ગઇ હતી.આ હુમલામાં કિલદીપને કમરની નીચે ગોળી વાગી હતી.ત્યારે શાતુને માથામાં સળિયો મારી હુમલાખોરોએ તોફાન મચાવ્યું હતું. આખા વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થઇ ગયો હતો.

વધુમાં તેણે જણાવ્યું હતું કે લગભગ 20-25 મિનિટ સુધી હુમલાખોરોએ તોફાન મચાવ્યા બાદ ઇકો કારમાં ભાગી ગયા હતા.ત્યાર બાદ દોડી આવેલા કારીગરોએ તાત્કાલિક 108માં ફોન કરતાં પાંડેસરા લોકેશનની 108 દોડી આવી હતી અને બંનેને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ જવાયા હતા. હુમલા પાછળ ફેક્ટરીમાં લેબર કર્મચારીઓને સપ્લાઇ કરવાના ધંધાની હરીફાઈને લઈ સતેન્દ્રએ હુમલો કર્યો હતો.એટલું જ નહીં,પણ દોઢ વર્ષમાં આ ચોથો હુમલો છે અને વારંવાર પાંડેસરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવતાં આવ્યા છે.

વધુમાં તેણે જણાવ્યું હતું કે મારી પાસે હાલ 8 કારીગર છે.કુલદીપ રસોઈયો છે અને એક મહિના પહેલાં જ આગ્રા થઈ સુરત રોજગારીની શોધમાં આવ્યો છે.દોઢ વર્ષ પહેલાં (નિખિલ) સતેન્દ્ર પાસે કામ કરતો હતો અને ત્યાર બાદ નોકરી છોડી પોતાનો વ્યવસાય શરૂ કરતાં સતેન્દ્ર ધમકી આપતો આવ્યો છે.ધંધો બંધ કરી તમામ કારીગર સાથે સુરત છોડી ચાલી જવા ધમકાવી રહ્યો છે.

હું ફાયરિંગથી 10 મીટરના અંતરમાં જ હતો. ઇકો કારમાંથી ઊતરતાંની સાથે જ સતેન્દ્રએ 3-4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.બસ,મારા તમામ કારીગરો અને મને સુરતથી ભગાડી મૂકવા અને મારી નાખવાના ઇરાદે જ હુમલો કર્યો છે.હાલ પાંડેસરા પોલીસ તપાસ કરી રહી છે.

Share Now