તંત્ર-મંત્ર – ભગત ભૂવા – દોરા ધાગા વાળા ચેતજો ! થયો અઘોર વેપાર … લગ્ન માટે માટે સુંદર કન્યા, સંતાનનો યોગ, કુટુંબ ઉપર દુષ્ટ આત્માઓનો છાયો દૂર કરાવવાનું કહી 96.76 લાખ પડાવ્યા

477

– પોલીસે મોબાઇલ નંબર ધારક,બેન્ક એકાઉન્ટ ધારક અને જ્યોતિષ સહિત 16 શખસ વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયો

વડોદરા : ઓનલાઇન છેતરપિંડી આચરવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે,ત્યારે ઓનલાઇન છેતરપિંડનો વધુ એક બનાવ સામે આવ્યો છે.વડોદરાના યુવકને ઘરમાં દુષ્ટ આત્માઓનો છાયો હોવાનું જણાવીને અલગ-અલગ વિધિના બહાને ઓનલાઇન 96.76 લાખ ટુકડે-ટુકડે પડાવી છેતરપિંડી આચરવાનો બનાવ વડોદરા સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.ફરિયાદના આધારે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે મોબાઇલ નંબર ધારક,બેન્ક એકાઉન્ટ ધારક અને જ્યોતિષ સહિત 16 શખસો વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતા દિપકકુમાર શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018થી 2021 દરમિયાન અલગ-અલગ નામે જેમકે વૈદિક નારાયણ જ્યોતિષના આચાર્ય કમલ દેવ,મહાગુરુજી,બ્રાહ્મઋષિજી,(કૃષ્ણ શાસ્ત્રી),પુષ્કળજી,રાહુલજી,બ્રાહ્મઋષિજી નેપાળવાળા(દયાનંદજી),દિપક નામે ફરિયાદી સાથે વાત કરીને જણાવ્યું હતું કે,તમારા 35થી 40 વર્ષની કન્યા સાથે લગ્ન થશે અને તમને પુત્ર સંતાનનો પણ યોગ છે.તેમ જણાવી વિશ્વાસ કેળવ્યો હતો.ત્યારબાદ કુટુંબ ઉપર દુષ્ટ આત્માઓનો છાયો હોવાનું જણાવ્યું હતું.જેના કારણે તમારા કુટુંબના દરેક સભ્યોના જીવને જોખમ છે.આ દુષ્ટ આત્માને શાંત કરવા માટે અઘોરીને બોલાવી પશુની રક્તબલી ચડાવી પડશે.

પાખંડી જ્યોતિષે 96.76 લાખ પડાવતા પોલીસ ફરિયાદ

આ ઉપરાંત માતા-પિતાની સદગતિ માટે અને ઘરમાં અચળ લક્ષ્મીનો વાસ થાય તે માટે વિધિ દરમિયાન ગોપાલજી નામના બ્રાહ્મણ મૃત્યુ થયું છે,જેથી તમને બ્રહ્મ દોષ લાગશે,તેમની સદગતિ માટે ગાયોનું દાન, 12 જ્યોતિર્લિંગના અભિષેકનું જળ લાવી તેમની આત્માને શાંતિ માટે યજ્ઞ,કુંડળીના બધા ગ્રહોને શાંત કરવા માટે બીજ મંત્રોથી વિધિ કરીને નક્ષત્ર તથા દિશાઓને કંટ્રોલમાં રાખવા,લક્ષ્મીજી તથા ગણેશજીની સોનાની મૂર્તિ ખરીદી ઘરમાં સ્થાપના વિધિ માટે તેમજ ગયેલા રૂપિયા પરત આપવાના બહાને ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે કુલ 96,76,196 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લઇ છેતરપીંડી આચરી હતી.આ મામલે વડોદરા સાઈબર ક્રાઇમ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એક અઠવાડિયા પહેલા જ વડોદરાથી ઉજ્જૈનમાં દર્શનાર્થે ગયેલા ખાનગી કંપનીના મેનેજર સિદ્ધાર્થ શર્મા ધંધો વધારવાની લાલચે લોટમાંથી કંકુ બનાવી ચમત્કાર બતાવનાર તાંત્રિકના ચક્કરમાં ફસાતાં રૂ. 21.31 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.વધુ પૈસા પડાવવા માટે તાંત્રિક દ્વારા ધમકી આપવામાં આવતી હોવાને કારણે યુવાને ગોત્રી પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદના આધારે પોલીસે રાજેશ નામના તાંત્રિકની ધરપકડ કરી હતી.મેનેજર પાસેથી ધંધો વધારવા માટે 21 લાખ રૂપિયા પડાવનાર ગુરુ ઉર્ફે રાજેશ નામના તાંત્રિકની પોલીસે ધરપકડ કરી હતી

Share Now