અમદાવાદ બાદ સુરતમાં વધુ એક આયશાની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ

753

– મહિલા તાપી નદીમાં કૂદકો મારવા જઈ રહી હતી.ત્યારે તૌસીફ શેખે પોતાની રીક્ષા થોભાવી નાંખી હતી,અને મહિલાને બચાવવા દોડી ગયા હતા
– એક રિક્ષા ચાલકની સૂઝબૂઝના કારણે સુરતમાં આયશાની સાથે જે ઘટના બની તે ઘટના થતા રહી ગઈ

સુરત : હાલ અમદાવાદની આયશા સમગ્ર દેશમાં ચર્ચાઈ રહી છે.ન જાણે ભારતમાં આવી કેટલીય આયશા હશે,જે સાસરીઓના ત્રાસથી રીબાતી હશે.કેટલીક હિંમત દાખવીને લડી લે છે,તો કેટલીક મોતનો રસ્તો અપનાવે છે.માત્ર આયશા જ નહીં આયશાની જેમ ભારતમાં અનેક યુવતીઓ એવી છે ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય છે.અમદાવાદ બાદ સુરતમાં વધુ એક આયશાની જિંદગી મોતના મુખમાં ધકેલાતી બચાવી લેવાઈ છે.તાપી નદીમાં મોત વ્હાલુ કરવા જઈ રહેલી પરિણીત મહિલાને બચાવી લેવાઈ છે. એક રીક્ષાચાલકે મહિલાને બચાવી લીધી હતી.

તૌસીફ શેખ નામના રીક્ષાચાલક સુરતના હોપ બ્રિજ પાસેથી પોતાની રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા.ત્યારે તેમની નજર એક મહિલા પર પડી હતી.આ મહિલા તાપી નદીમાં કૂદકો મારવા જઈ રહી હતી.ત્યારે તૌસીફ શેખ પોતાની રીક્ષા તાત્કાલિક થોભાવી નાંખી હતી,અને મહિલાને બચાવવા દોડી ગયા હતા. તેમણે ખેંચીને મહિલાને બચાવી લીધી હતી.મહિલાને રડી જોઈ આસપાસથી પસાર થતી અન્ય મહિલાઓ પણ મદદે દોડી આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર,સુરતની મનીષા નામની મહિલા પતિના ત્રાસથી આજે સુરતના ચોક વિસ્તાર ખાતે આવેલા હોપ બ્રિજથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી.તે રડતા રડતા રસ્તા પરથી જઇ રહી હતી.ત્યારે મનીષા પર ત્યાંથી પસાર થઇ રહેલા રિક્ષાચાલક તૌસીફ શેખની નજર પડી હતી. તેમને લાગ્યું કે, આ મહિલા શા માટે રડીને બ્રિજ તરફ જઈ રહી છે.અચાનક જ એમના નજર સામે આયશાનો કિસ્સો આવી ગયો હતો.તેથી સતર્ક થઈને તેમણે રીક્ષા થંભાવી હતી અને તે મહિલાનો પીછો કરીને હોપ બ્રિજ સુધી ગયા હતા. મહિલા બ્રિજની વચ્ચેથી તાપી નદીમાં કુદવા જઈ રહી હતી ત્યારે જ તૌસીફે મનીષાનો હાથ ખેંચીને તેનો જીવ બચાવી લીધો હતો.

અમદાવાદની આયશા જેવો કિસ્સો બનતા રહી ગયો

રીક્ષાચાલક તૌસીફે જણાવ્યું હતું કે,આયશા આપઘાતની ઘટનાનો વીડિયો તેણે જોયો હતો.એ જ કારણ છે કે,મને લાગ્યું કે આ મહિલા પણ આપઘાત કરવા જઈ રહી છે.મેં મનીષાબેનને સમજાવી હતી અને સ્થાનિક પોલીસને પણ જાણ કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.તો મનીષાબેનને સમજાવવા ત્યાંથી પસાર થતી અન્ય મહિલાઓ પણ મદદે આવી હતી.

તૌસીફે વધુમાં જણાવ્યું કે, મહિલા બે પુત્રીની માતા છે.તેમનો પતિ તેમને ત્રાસ આપી રહ્યો હતો અને પતિએ તેમને કહ્યું હતું કે,તેને જે પણ કરવાનું હોય તે કરી લે જે.અત્રે ઉલ્લેખનીય છે કે આયશાને પણ જો કોઈ તૌસિફ જેવો ઈશ્વરનો દૂત મળી ગયો હોત તો કદાચ આયશાનો પણ જીવ બચી ગયો હોત.આજે એક રિક્ષા ચાલકની સૂઝબૂઝના કારણે સુરતમાં આયશાની સાથે જે ઘટના બની તે ઘટના થતા રહી ગઈ છે.

Share Now