પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બગુમરા ગામની સીમમાં હલધરું પાટીયા નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલાને ઝડપી પાડી કુલ 32,500 નો મુદ્દામાલ કબ્જે કરી બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને વોંટેડ જાહેર કર્યા હતા.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પલસાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન પો.કો જગદીશભાઈ આબાજીભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે બગુમરા ગામની સીમમાં હલધરું પાટિયા નજીક બે મહિલાઓ પ્લાસ્ટિકની થેલી તેમજ મીણયા કોથળામાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઊભી છે.જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી આ બંને મહિલાને ઝડપી પાડી હતી અને તેમની પાસેથી વિદેશી દારૂ તેમજ બીયરની કુલ 404 બોટલ કિંમત રૂ. 31,000 તથા બે મોબાઈલ ફોન મળી કુલ 32,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ બંને મહિલાઓએ પોતાનું નામ સરલાબેન જનાર્દન જગન્નાથ માળી (રહે, વરાછા હીરાબાગ,સુરત શહેર) તથા ગીતાબેન હીરાભાઈ મણીલાલ પટેલ (રહે, મોરલી ગામ, વચલુંફળિયું, તા-ગણદેવી) ની હોવાનું જણાવ્યુ હતું.આ બંને મહિલાઓની વધુ પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો આકાશભાઈ (રહે, કણાવ, તા-પલસાણા) નામના વ્યક્તિએ પૂરો પાડ્યો હતો. જ્યારે આ વિદેશી દારૂનો જથ્થો સપનાબેન (રહે, કડોદરા નીલમ હોટલ નજીક, તા-પલસાણા) તથા સીમાબેન (રહે, પલસાણા સ્વામીનારાયણ મંદિરની પાસે, તા-પલસાણા) એ મંગાવ્યો હતો.પોલીસે આ ત્રણે વ્યક્તિને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.