મુંબઈ તા.6 : મુંબઈ-મહારાષ્ટ્રમાં કોરોના ફરી ધૂણવા લાગ્યો છે અને નવા કેસોમાં રોકેટ ગતિએ વૃધ્ધિ થવા લાગી છે.આજે નવા કેસની સંખ્યા ફરી 10,000 ને પાર થતાં નવેસરથી લોકડાઉન લાગુ પાડવાની ગંભીરતાપૂર્વક વિચારણા શરૂ કરવામાં આવી છે.
ભારતમાં આજે કોરોનાના નવા કેસોની સંખ્યા કુલ 18000 થી પણ વધી ગઈ છે.તેમાંથી 10000 થી વધુ કેસો એકલા મહારાષ્ટ્રમાં જ હતા.ભારતમાં કુલ 18292 કેસોમાંથી મહારાષ્ટ્રનાં કેસોની સંખ્યા 10216 થઈ હતી.દેશમાં વધુ 109 લોકોએ કોરોનાથી જાન ગુમાવ્યા હતા.એકટીસ કેસોની સંખ્યા વધીને 181997 પર પહોંચી હતી.
મહારાષ્ટ્રમાં મધ્ય ફેબ્રુઆરી બાદ કોરોના કેસ ધીમી ગતિએ વધવા લાગ્યા હતા પરંતુ ચાલુ સપ્તાહમાં તેની ઝડપ વધી ગઈ છે.આજે લાંબા વખત પછી 10,000થી વધુ કેસ નોંધાયા હતા.જયારે ચાલુ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં કોરોના કેસનો આંકડો 50,000 ને પાર થતા ગંભીર બનેલી ઉદ્ધવ સરકારે ફરી લોકડાઉન લાગુ કરવાની દિશામાં વિચારણા શરૂ કરી છે.
28 ફેબ્રુઆરીથી પાંચ માર્ચ દરમ્યાન 51612 કેસ નોંધાયા છે.આજે 10000 થી વધુ કેસ નોંધાયા હતા. 17 ઓકટોબર 2020 ના રોજ 10259 કેસ નોંધાયા હતા. ત્યાર પછીનો આ સૌથી મોટો આંકડો છે.કોરોનાના વધતા કેસો વચ્ચે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ ગત 21 મી ફેબ્રૂઆરીએ એવુ જાહેર કર્યુ હતું કે ગત 21 મી ફેબ્રુઆરીએ એવુ જાહેર કર્યું હતું કે એક-બે સપ્તાહ પરિસ્થિતિની સમીક્ષા કરાશે.કોરોનાના કહેર વધવાના સંજોગોમાં ફરી વખત લોકડાઉન લગાવવામાં આવશે.જોકે તેઓએ એવુ સ્પષ્ટ કર્યું હતું કે લોકો હાલાકીમાં મુકાય તેવા લોકડાઉનની સરકારની ઈચ્છા નથી છતાં મજબુરીવશ ગમે તેવા પગલા લેવાઈ શકે છે.
રાજય સરકારે અગાઉ અમરાવતીમાં લોકડાઉન જાહેર કર્યું જ હતું.પુના,નાગપુર,જેવા શહેરોમાં પણ નિયંત્રણો લાદયા હતા હવે સ્થિતિની સમીક્ષામાં સરકાર કેવો નિર્ણય લે છે તેના પર મીટ છે.મહારાષ્ટ્રનાં મંત્રી વિજય વડેટ્રીવારે અવો ગર્ભિત નિર્દેશ કર્યો હતો કે લોકલ ટ્રેનો ફરી થંભાવી દેવા સરકાર વિચારણા કરી શકે છે.મુંબઈની લોકલ ટ્રેનો 1લી ફેબ્રૂઆરીથી જ ખુલ્લી મુકવામાં આવી હોવાનું ઉલ્લેખનીય છે.જોકે,મુંબઈનાં એડીશ્નલ મ્યુનિ.કમી.સુરેશ કકાણીએ કહ્યું કે કોર્પોરેશન કોઈ વધારાનાં નિયંત્રણો-પ્રતિબંધોની તરફેણમાં નથી.