– ઉમરગામ પાલિકામાં પણ મહિલા પ્રમુખ,ભાજપે ચૂંટણીની સામાન્ય સભા અગાઉ નવા હોદ્દેદારોના નામો જાહેર કર્યા
– નવા હોદ્દેદારોએ ઉમેદવારીપત્રો ભર્યા,જ્યારે કોંગ્રેસમાંથી એક પણ ઉમેદવારી નહીં
વલસાડ : જિલ્લા પંચાયત અને જિલ્લાની 3 તાલુકા પંચાયતમાં મહિલાનો દબદબો રહેશે.જિ.પં.ની 13-ફણસા સામાન્ય સ્ત્રી બેઠક પરથી ભાજપના ચૂંટાયેલા ઉમેદવાર અલકાબેન શાહને જિ.પં.ના નવા પ્રમુખ તરીકે જિલ્લા ભાજપ સંગઠને જાહેર કર્યા છે.જિલ્લાની 6 તાલુકા પંચાયતો અને ઉમરગામ પાલિકાના પણ નવા પ્રમુખો અને ઉપપ્રમુખોના નામો પણ સંગઠન દ્વારા જાહેર કરાયા છે,જેમાં 3 તા.પ.અને ઉમરગામ પાલિકામાં પ્રમુખપદે મહિલાનો દબદબો રહેશે.જો કે બુધવારે નવા પ્રમુખ ઉપપ્રમુખોએ આ પદ માટે જિ.પં. અને તા.પં.ના ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારી પત્રો ભર્યા હતા.
હવે ગુરૂવારે મળનારી સામાન્ય સભામાં ચૂંટણીની ઔપચારિકતા બાદ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 28 ફેબ્રુઆરીએ ચૂંટણી અને 2 માર્ચે જાહેર થયેલા પરિણામમાં જિ.પંચાયત અને વલસાડ,ધરમપુર,પારડી,વાપી,ઉમરગામ અને કપરાડા સહિત 6 તાલુકા પંચાયતોમાં ભારે બહુમતિ સાથે ભાજપનો કેસરિયો લહેરાવી સત્તા કબજે કરી લીધી હતી.જિલ્લા પંચાયતની 38માંથી 36 બેઠક હાંસલ કરી ભાજપે ફરીથી જિ.પં.માં પોતાનું શાસન જાળવી રાખ્યું હતું.
પરિણામો જાહેર થયા બાદ 18 માર્ચે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા પ્રમુખો અને ઉપપ્રમુખોની ચૂંટણી માટે સામાન્ય સભામાં કાર્યવાહી હાથ ધરાનાર હતી.તે પહેલા સંગઠને નવા પ્રમુખ ઉપપ્રમુખોના નામો પ્રદેશ ભાજપને મોકલ્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડમાં નામો ઉપર મંજૂરીની મહોર મારી દીધી હતી.જેના પગલે બુધવારે જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ હેમંત કંસારાએ જિ.પં. અને તા.પં.ના નવા પ્રમુખો ઉપપ્રમુખોના નામો જાહેર કર્યા હતા.જેમાં જિ.પં.ના પ્રમુખ તરીકે 13-ફણસાની સામાન્ય સ્ત્રી અનામત બેઠક ઉપર વિજેતા થયેલા અલકાબેન શાહને જાહેર કરાયા હતા.
જ્યારે તમામ તા.પં.ના પ્રમુખો અને ઉપપ્રમુખોના નામની પણ જાહેરાત કરી દેવામાં આવી હતી.જિ.ભાજપ સંગઠન દ્વારા નક્કી કરાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખોએ બુધવારે જિ.પં. અને તા.પં.ના ચૂંટણી અધિકારીઓ સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.જિ.ભાજપ પ્રમુખ હેમંત કંસારા,મહામંત્રી કમલેશ પટેલ,ઉમરગામ તા.ના મુકેશ પટેલ,વલસાડ તા.પ્રમુખ કિશોર પટેલ સહિત ભાજપના હોદ્દેદારોની હાજરીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી
જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સોંપેલી જવાબદારી નિભાવીશ
વલસાડ જિલ્લા ભાજપ સંગઠને સોંપેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ.પાર્ટીએ જે કામ આપ્યું છે તે માટે પ્રયત્નશીલ રહી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કામ કરીશ.પ્રાથમિક સુવિધા સહિતના કામો સાથે છેવાડાના લોકોને લાભ મળે તેને પ્રાધાન્ય અપાશે. – અલકાબેન શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ
કોણ નવા પ્રમુખો અને ઉપપ્રમુખ
વલસાડ જિ.પં.
પ્રમુખ- અલકાબેન શાહ, ફણસા
ઉપપ્રમુખ- મનહર પટેલ, વાંકલ
વલસાડ તા.પંચાયત
પ્રમુખ- કમલેશસિંહ છીતુસિંહ ઠાકોર, મરલા
ઉપપ્રમુખ-દેવાંશી સ્નેહલ પટેલ-ખજુરડી
પારડી તા.પંચાયત
પ્રમુખ-મિત્તલ પુનિતભાઇ પટેલ,સુખેશ
ઉપપ્રમુખ-તરૂણ પરાગભાઇ પટેલ, ડુંગરી
વાપી તા.પંચાયત
પ્રમુખ- વાસંતી રાજેશભાઇ પટેલ,લવાછા
ઉપપ્રમુખ- રજનીકાંત નારણભાઇ પટેલ,બલીઠા
ઉમરગામ તા.પંચાયત
પ્રમુખ- રમેશ વેસ્તાભાઇ ધાંગડા,ઝરોલી
ઉપપ્રમુખ- પ્રતિમા પ્રકાશભાઇ પટેલ,કલગામ
ધરમપુર તા.પંચાયત
પ્રમુખ- રમીલાબેન સુરેશ ગાંવિત, તિસ્કરીતલાટ
ઉપપ્રમુખ- ધર્મુ બંદુભાઇ બારિયા, ધામણી
કપરાડા તા.પંચાયત
પ્રમુખ- મોહન ધિરેશ ગરેલ, ટુકવાડા
ઉપપ્રમુખ- ગોપાળ રામુ ગાયકવાડ-ઘોટણ
ઉમરગામ નગરપાલિકા
પ્રમુખ- ચારૂશિલા વિરેશ પટેલ-વોર્ડ-નં.1
ઉપપ્રમુખ-ગણેશ રામા બારી-વોર્ડ નં.5
ચારૂશીલા પટેલ
– ફેશન ડિઝાઇનર ચારૂશીલા પટેલ હવે ઉમરગામ શહેરનો મેકઓવર કરશે, ઉપ પ્રમુખ ગણેશ બારી
ઉમરગામ બારીયા સમાજ હોલમાં ચૂંટણી અધિકારીઓની અને વલસાડ ભાજપ સંગઠન,ઉમરગામ ટાઉન ભાજપ સંગઠન,ચૂંટણી કન્વીનરો સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિ માં ઉમરગામ ન.પા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી અર્થે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં વોર્ડ નં.3ના કોંગ્રેસના વિજેતા અને હાલમાજ અકસ્માતમાં નિધન પામેલા કિંચિત રાયને શ્રદ્ધાંજલિ આપી ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત કરી હતી.પ્રમુખ અને ઉપ પ્રમુખની દાવેરીદારી અર્થે ફોર્મ વિતરણ કરાતા 15મિનિટમાં ફોર્મ ભરવા ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાનેથી જાહેરાત કરાઈ હતી.
પાલિકા પ્રમુખ માટે ચારુશીલા વિરેશ પટેલ અને ઉપપ્રમુખ પદે ગણેશ બારી એ ઉમેદવારી કરી હતી. બન્ને ઉમેદવારો સામે કોઈ પણ પ્રતિસ્પર્ધી ઉમેદવાર ન હોવાથી બન્ને ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ચુંટાયેલા સભ્યો તેમજ ચુંટણી અધિકારી સમયસર આવી ચુક્યા હતા પરંતુ પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દર્પણ ઓઝા સભામાં 10 મિનિટ મોડા આવ્યા ચુંટણી પ્રક્રિયા 10 મિનિટ મોડી શરૂ થઈ હતી.ચુંટણી સમયે પણ દર્પણ ઓઝા ની મનમાનીથી એન્ટ્રી શહેરમાં ચર્ચાનો વિષય બની હતી.
ઉમરગામ શહેરના પ્રમુખ બનેલા ચારૂશીલા પટેલે મુંબઇમાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ તેમણે ફેશન ડિઝાઇનીંગનો કોર્સ કર્યો છે.હાલ તેઓ ઉમરગામમાં પોતોના શોખને પૂર્ણ કરવા માટે ફેશન ડિઝાઇનીંગનું કામ કરી રહ્યા છે.આમ ચારૂશીલા પટેલ ફેશન ડિઝાઇનની સાથે હવે શહેરની કાયા પલટ કરવાની બેવડી જવાબદારી નિભાવશે.
મહિલા સરપંચને હવે પારડી તાલુકા પંચાયતનો વહીવટ
પારડી તાં.પં.ની ચૂંટણીમાં 22માંથી 20 બેઠકો પર કબજો કર્યા બાદ બુધવારે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારના ફોર્મ ભરાવ્યાં હતાં.જેમાં સુખેશના મહિલા સરપંચ મિત્તલબેન પુનિત પટેલ હવે પારડી તાલુકા પંચાયતનો વહીવટ સંભાળશે. જેમણે સરપંચપદેથી રાજીનામુ આપતાં ટીડીઓએ સ્વીકાર્યુ હતું.ગુરૂવારે પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારીની રચના થશે.
આજે સત્તાનું સૂકાન સંભાળશે
જિ.પં.ના પ્રમુખ અલકા શાહ અને ઉપ્રમુખ મનહર પટેલના નામો ભાજપે જાહેર કરતા ગુરૂવારે સભામાં ઔપચારિકતા પૂરી કરાશે.સાથે જ તેઓ જિ.પં. અને તા.પં.માં ભાજપ સત્તાનું સૂકાન સંભાળશે.
અધિકારીને નામો આપ્યા
જિલ્લા ભાજપ સંગઠન દ્વારા જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતોના નવા પ્રમુખો અને ઉપપ્રમુખોના નામોની પાર્ટી લેવલે જાહેરાત કર્યા બાદ પસંદ કરાયેલા ઉમેદવારોને અને ચૂંટણી અધિકારીઓને ઉમેદવારીપત્ર સાથે પાર્ટી મેન્ડેટ રજૂ કરી દીધા હતા.
ગૃહિણી વાંસતી પટેલ હવે વાપી તાં.પં.ના નવા પ્રમુખ
વાપી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે જીત મેળવ્યાં બાદ પ્રમુખપદે વાંસતીબેન પટેલ અને ઉપપ્રમુખપદે રજનીકાંત પટેલે ફોર્મ ભર્યુ છે. સામાપક્ષે ફોર્મ ન ભરાતાં બંને ગુરૂવારે બિનહરિફ તરીકે વિજેતા જાહેર થશે. પ્રમુખપદના લવાછાના ઉમેદવાર વાંસતીબેન પટેલ ગૃહિણી તરીકે સફળ છે. હવે તાલુકાનો વહીવટ સંભાળશે.