– ભારતને પરમાણુ દેશ બનાવવાનો સૌથી મોટો શ્રેય ડૉ. એપીજે અબ્દુલ કલામને ફાળે છે
નવી દિલ્હી, તા. 24 માર્ચ : દિલ્હી-એનસીઆરના પ્રમુખ શહેર ગાઝિયાબાદના ડાસના દેવી મંદિરના પુજારીએ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પર નિશાન સાધ્યું છે.નરસિંહાનંદ સરસ્વતીએ અલીગઢ ખાતે કહ્યું હતું કે,દેશના શીર્ષસ્થ પરિવારોમાં કોઈ પણ મુસ્લિમ ભારત સમર્થક ન હોઈ શકે અને કલામ એક જિહાદી હતા. કોઈ પણ જાતના પુરાવા વગર તેમણે ડૉ. કલામ પર ડીઆરડીઓ પ્રમુખના રૂપમાં પાકિસ્તાનને પરમાણુ બોમ્બની ફોર્મ્યુલા પૂરી પાડવાનો આરોપ લગાવ્યો હતો.
પુજારીએ કરેલા દાવા પ્રમાણે ડૉ. કલામે રાષ્ટ્રપતિ ભવનમાં એક સેલની રચના કરી હતી જ્યાં કોઈ પણ મુસ્લિમ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.આ મહંત ગાઝિયાબાદના એ મંદિરના જ મહંત છે જ્યાં થોડા દિવસો પહેલા કથિત રીતે પાણી પીવા મામલે એક મુસ્લિમ યુવકને માર મારવામાં આવ્યો હતો.તે ઘટના બાદ પોલીસે શિરાંગી નંદ યાદવ નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી.સોશિયલ મીડિયા પર આ ઘટનાની ભારે ટીકા થઈ હતી ત્યારે હવે મંદિરના મહંતનું આ નિવેદન સામે આવ્યું છે અને ફરી ચર્ચા જાગી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતને પરમાણુ દેશ બનાવવાનો સૌથી મોટો શ્રેય એપીજે અબ્દુલ કલામને આપવામાં આવે છે.તેમના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળને પણ એક સફળ કાર્યકાળ તરીકે જોવામાં આવે છે.તેવા સંજોગોમાં મંદિરના પુજારીની ટિપ્પણીથી અનેક સવાલો ઉભા થાય છે.
પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન ડૉ. એપીજે અબ્દુલ કલામ ભલે આપણા વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ તેમના વિચારો હંમેશા આપણને રસ્તો ચીંધતા રહેશે. 27 જુલાઈ, 2015ના રોજ શિલોંગ ખાતે લેક્ચર આપતી વખતે હાર્ટ એટેકના કારણે દેશના 11મા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું અવસાન થયું હતું.દેશની સર્વોચ્ય બંધારણીય ખુરશી મળવા છતા તેઓ ખૂબ સાદગીપૂર્વક જીવ્યા હતા અને તે તેમની સૌથી મોટી ખાસીયત હતી.તેઓ દરેક વર્ગના લોકોમાં સમાનરૂપે માન ધરાવે છે અને તેમની સાદગી,ઉચ્ચ વિચારોને લઈ હંમેશા યાદ રહેશે.