– આણંદનો યુવાન તક્ષશિલા આર્કેડ સામે પાર્કિંગમાં આવ્યો હતો ત્યારે હત્યા કરાઈ
સુરત, તા. 24 માર્ચ : સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ સામે પાર્કિંગમાં કાર લઈ આવેલા આણંદના યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી.અજાણ્યા ઈસમો યુવકને કારમાં જ ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. જાહેરમાં બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
સુરતના સરથાણામાં આજે ધોળે દિવસે સરેઆમ ખૂની ખેલ ખેલાયો હતો.આણંદનો વતની અને અગાઉ ફાઈનાન્સનો ધંધો કરતો તેમજ મારામારી સહિતના ગુનાઓમાં ઝડપાયેલો 32 વર્ષીય સિદ્ધાર્થ સંદીપભાઈ રાવ ઈનોવા કાર (નં. જીજે-05-જેએમ-9316) લઈને સરથાણા જકાતનાકા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ સામે પાર્કિંગમાં આવ્યો હતો.ત્યારે અજાણ્યા ઈસમો કારમાં જ તેને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા.
ગંભીર રીતે ઘવાયેલા સિદ્ધાર્થને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.જાહેરમાં બનેલી હત્યાની આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.બીજી તરફ બનાવની જાણ થતા એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસ સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ શરૂ કરી છે.
આણંદનો કુખ્યાત સિદ્ધાર્થ રાવ ઈનોવા કાર લઈને સુરત રૂપિયા લેવા આવ્યો હતો.દરમિયાન આજે સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલાના પાર્કિંગમાં કાર ઉભી રાખતાની સાથે જ પાંચથી છ ઈસમો ચપ્પુ લઈને તૂટી પડ્યા હતા.જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સિદ્ધાર્થને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જોકે,ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.પોલીસે તપાસ હાથ ધરતા રૂપિયાની લેતીદેતીમાં હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
કુખ્યાત સામે ફરિયાદ કરતા પણ લોકો ડરતા હતા
ખંડણી,અપહરણ,લૂંટ અને ધમકી આપવી વગેરે જેવા ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ગુંડા સિદ્ધાર્થ રાવની સુરતમાં હત્યા કરવામાં આવી છે.આ પહેલાં પોલીસે લૂંટના ગુનામાં ઝડપી તેનો જાહેરમાં વરઘોડો પણ કાઢ્યો હતો.આ સાથે પોતાનો ખૌફ બતાવી લોકોને ડરાવી રહેતા કહેવાતા આ ગુંડાને જાહેરમાં પોલીસે ઉઠ-બેસ કરાવી હતી.વિદ્યાનગરમાં છેલ્લાં કેટલાંય સમયથી સિદ્ધાર્થ રાવનો ખૌફ એટલો છે કે તેના વિરૂદ્ધ ફરિયાદ કરતાં પણ લોકો ડરી રહ્યા હતા.થોડા મહિના પહેલાં સિદ્ધાર્થ રાવ સહીત ત્રણ જણાને અમદાવાદ શહેરની ઓઢવ પોલીસે દેશી તમંચા અને ચાર કારતુસ સાથે ઝડપી પાડી તેઓની વિરૂદ્ધ આર્મસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.