મુંબઈ : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયોના કથિત માલિક મનસુખ હિરેનના મોત મામલે રોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.મુંબઈની એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ આ કેસ ઉકેલી દીધો હોવાનો દાવો કર્યો છે.તેમનું કહેવું છે કે હિરેનની હત્યામાં કુલ 4 લોકો સામેલ હતા,તેમાંથી 3 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે,આ વાતનો ઘટસ્ફોટ બુધવારે થાણે કોર્ટના આદેશ પછી NIAને સોંપવામાં આવેલા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન ATSને એ પણ ખબર પડી છે કે હિરેનને સૌથી પહેલાં ક્લોરોફોર્મ સૂંઘાડીને બેભાન કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેની હત્યા કરવામાં આવી હતી.હત્યા સમયે સચિન વઝે પણ ઘટનાસ્થળે હાજર હતા. ATSને તેના મોબાઈલ લોકેશનથી પૂરતા પુરાવા મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે,ચહેરા પર બાંધવામાં આવેલા પાંચ રૂમાલો પર ક્લોરોફોર્મ નાખવામાં આવ્યું હતું અને માનવામાં આવે છે કે શ્વાસ રોક્યા પછી આરોપીઓ કોઈ ચાન્સ લેવા માગતા નહોતા,તેથી તેમણે રૂમાલને હિરેનના ચહેરા પર બાંધી દીધા અને તેને પાણીમાં ફેંકી દીધો.જોકે ચહેરા પર બાંધેલા રૂમાલ જોઈને એવું લાગતું જ હતું કે મનસુખની હત્યા કરવામાં આવી છે,તેણે સુસાઈડ નથી કર્યું.
હત્યા વિશે ATSના 10 ઘટસ્ફોટ
1. સચિન વઝેએ જ મનસુખને તાવડેના નામથી વ્હોટ્સએપ કોલ કરીને બોલાવ્યો હતો. બંનેની વાતો મનસુખની પત્ની વિમલાએ સાંભળી હતી.
2. મનસુખની હત્યા રાતે 10 વાગ્યાની આસપાસ થઈ હતી.ત્યાર પછી સચિન મુંબઈ આવ્યો હતો અને લગભગ રાતે 11.48 વાગે ડોંગરી પર ટિપ્સી બારમાં રેડનું નાટક કર્યું હતું.જ્યારે મનસુખની હત્યા કરવામાં આવી ત્યારે વઝે એક ઓડી કારમાં બેસીને સમગ્ર ઘટના જોઈ રહ્યો હતો.
3. CDR રિપોર્ટ પ્રમાણે,સચિન વઝેએ હત્યાવાળી રાતે એકપણ કોલ નહોતો કર્યો અને તેને પણ કોઈનો ફોન નહોતો આવ્યો.માનવામાં આવે છે કે તેઓ સતત વ્હોટ્સએપ કોલથી લોકો સાથે વાત કરતા હતા.
4. સચિન વઝેએ ડોંગરી વિસ્તારમાં ટિપ્સી બારમાં રેડનું નાટક કર્યું, જેથી મનસુખ હિરેનની હત્યા મામલે કોઈ તપાસ કરવામાં આવે તો તે જણાવી શકે કે તે રાતે તે મુંબઈના ડોંગરી વિસ્તારમાં હતો.ટિપ્સી બારના સીસીટીવી ફૂટેજમાં પણ આ વાતનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે રેડ સમયે સચિન વઝે ત્યાં હાજર હતો.
5. થાણેના ઘોડબંદરથી આવ્યા પછી સચિન વઝે પહેલા મુંબઈ પોલીસ હેડક્વાર્ટર ગયો હતો અને ત્યાર પછી CIUની પોતાની ઓફિસ ગયો હતો.ત્યાર પછી તેણે પોતાના મોબાઈલ ફોનને ચાર્જિંગમાં લગાવી દીધો,જેથી લોકેશન કમિશનર ઓફિસનું દેખાય.
6. સચિન વઝેએ ATSને પોતાનું નિવેદન આપતાં કહ્યું હતું કે 4 માર્ચે તે આખો દિવસ મુંબઈના પોલીસ હેડક્વાર્ટરના CIU ઓફિસમાં જ હતો,પરંતુ મોબાઈલના લોકેશન પ્રમાણે તે બપોરે 12.48 વાગે ચેમ્બુરની MMRDAએ કોલોનીમાં હતો.
7. મનસુખ પાસે એક મોબાઈલ હતો,જેમાં બે સિમકાર્ડ રહેતાં હતાં. ATSએ આ બંને નંબરોના સીડીઆર કાઢ્યા તો ખબર પડી કે એમાંથી એક નંબર પર મનસુખની પત્નીનો છેલ્લો ફોન 8.32એ આવ્યો હતો અને બીજા નંબર પર રાતે 10.10 વાગે ચાર મેસેજ આવ્યા હતા.આ દરમિયાન ફોનનું લોકેશન વસઈના માલજીપાડાનું હતું.
8. આ મામલે ધરપકડ કરવામાં આવેલા શિંદેએ જણાવ્યું હતું કે વઝે સાથે વાત કરવા નકલી દસ્તાવેજના આધારે ખરીદવામાં આવેલાં સિમકાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો,જે તેણે ક્રિકેટ-બુકી નરેશ ગોરના માધ્યમથી ગુજરાતથી મગાવ્યા હતા.
9. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકીવાળો લેટર પણ સચિન વઝેએ જ લખ્યો હતો.આ ઘટસ્ફોટ મનસુખકેસમાં ધરપકડ કરવામાં આવેલા વિનાયક શિંદેના ઘરે કામ કરવા આવેલા પેઈન્ટરે કર્યો છે.
10. વઝેએ તેના કાવતરામાં મનસુખને સામેલ કર્યો. તેના પુરાવા ATS અને NIAને મળ્યા,પરંતુ જ્યાં સુધી ATS સચિન વઝેની પૂછપરછ ન કરી લે ત્યાં સુધી આ વિશે કઈ સ્પષ્ટ કહી શકાય એમ નથી.એ પણ સ્પષ્ટ નથી કે મનસુખ ડરથી કે પોતાની મરજીથી વઝેની સાથે હતો.હાલ બંને વચ્ચેના સંપર્કના ડિજિટલ એવિડન્સ ATSને મળ્યા છે.