ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં આગામી માર્ચે હિન્દુઓ હોળી તથા મુસ્લિમો શબ્-એ-બારાતનો તહેવાર ઉજવશે.રાજ્યમાં આગામી 28 માર્ચે ઉજવાનારા શબ્- એ -બારાત ઉત્સવ સંદર્ભમાં ગૃહ વિભાગે કેટલીક માર્ગ દર્શિકા જાહેર કરી હતી.જે મુજબ મુસ્લિમોને ધાર્મિક વિધિઓ કરવાની છૂટ આપવામાં આવી છે.પરંતુ આ દરમિયાન લોકોએ કોરોનાની ગાઈડલાઈન્સનુ પાલન કરવું પડશે. ઉપરાંત મસ્જિદમાં વધારે લોકો એકત્ર ન થાય તે પણ ધ્યાનમાં રાખવું પડશે.
ગુજરાત સહિતના રાજ્યોએ હોળી પર્વની ઉજવણી પર ગાઇડલાઇન્સ જાહેર કરી છે.ગુજરાત સરકારે પણ આ મામલે સ્પષ્ટતા કરતા માર્ગદર્શિકા જાહેર કરી છે.માર્ગદર્શિકા મુજબ વૈદિક વિધિ વિધાનથી દર વર્ષની જેમ હોળી પ્રાગટ્ય કરી શકાશે.એટલે કે સરકારે હોળીના પ્રાગટ્યની મંજૂરી આપી છે.લોકો શેરી,મહોલ્લા,સોસાયટીમાં હોળી પ્રગટાવી શકશે અને દર્શન કરીને પરિક્રમા કરી શકાશે પરંતુ હોળી બાદ આવતા ધૂળેટીના તહેવારની ઉજવણી કરવાની મનાઇ ફરમાવી છે.
આ પહેલા પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ હોળીની ઉજણવી અંગે સ્પષ્ટતા કરતા જાહેરાત કરી હતી કે, હોળીના પર્વ પર લોકો શેરી,મહોલ્લામાં વૈદિક વિધિ વિધાન સાથે હોળીનું પ્રાગટ્ય અને પૂજા વિધિ કરી શકશે પરંતુ બીજે દિવસે આવતા ધૂળેટીના પર્વની ઉજવણી પર રાજ્ય સરકારે રોક લગાવી છે.ધૂળેટીના દિવસે કોઇને ગુલાલ, પાણી કે અન્ય રંગો નહીં ઉડાડી શકાય એટલે રંગેથી રમવા પર રાજ્ય સરકારે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
બુધવારે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1790 કેસ નોંધાયા હતા.જ્યારે વધુ 8 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. ગઈકાલે રાજ્યમાં 1277 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.રાજ્યમાં અત્યાર સુધી 2,78,880 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.45 ટકા પર પહોંચ્યો છે.હાલ 8823 એક્ટિવ કેસ છે,જેમાંથી 79 લોકો વેન્ટિલેટર પર અને 8744 લોકો સ્ટેબલ છે.