બારડોલી : બારડોલી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ પ્રથમ સામાન્ય સભામાં તાલુકા પંચાયતનું આગામી વર્ષ 2021-22ના વર્ષનું 72.83 કરોડ રૂપિયાનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.નવનિયુક્ત પ્રમુખ અંકિત રાઠોડના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.નવી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના હાલ પૂરતી મોકૂફ રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.જેને ઉપસ્થિત તમામ સભ્યોએ બહાલી આપી હતી.આગામી સભામાં આ બંને સમિતિની રચના કરવામાં આવનાર હોવાનું પ્રમુખ અંકિત રાઠોડે જણાવ્યુ હતું.સામાન્ય સભામાં આગામી 2020-21ના વર્ષનું સુધારેલ તથા આગામી વર્ષ 2021-22નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.આ બજેટમાં 72 કરોડ 76 લાખ 70 હજારની આવક સામે 72 કરોડ 83 લાખ 42 હજારનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.આ અંદાજપત્રને તમામ સભ્યોએ મંજૂર કર્યું હતું.આ ઉપરાંત મનરેગાનું વિશેષ 19.03 કરોડનું લેબર બજેટ પણ આ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું.જે પૈકી 12.96 કરોડ રૂપિયા મજૂરી ખર્ચ અને 6 કરોડ રૂપિયા માલસામાન ખર્ચ થવાનો અંદાજ છે.આ બજેટથી તાલુકામાં 5 લાખ 78 હજાર 657 માનવ દિવસની રોજગારી ઊભી થશે.
આ બજેટને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એન.એચ.બોરિચાએ અધિકારીઓ,કર્મચારીઓ અને પદાધિકારીઓ એક પરિવારની જેમ સંકલનમાં રહી વિકાસના કામ કરે તેવો અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે તમામ નવા ચૂંટાયેલા સભ્યો,તાલુકા પંચાયતના અધિકારીઓ,કર્મચારીઓએ એકબીજાને પરિચય આપ્યો હતો.સભામાં બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી હેતલ ચૌધરીએ ઉપસ્થિત રહી કોવિડ19 અંગે રાખવાની કાળજી અને વેક્સિન અંગે વિસ્તારથી માર્ગદર્શન આપ્યું હતું.