– નવુ સંક્રમણ હળવુ હોવાનું તથા ડેથ રેશીયો ઓછો હોવાનું માનીને લોકો લાપરવાહ થઈ ગયાની લાલબતી :અડધો અડધ દર્દીઓને સંક્રમિત હોવાની ખબર જ પડતી નથી.
ગુજરાતમાં કોરોનાના કુલ કેસમાંથી ત્રીજા ભાગના કેસ માત્ર સુરતમાં નોંધાઈ રહ્યા છે.કોર્પોરેશન તથા આરોગ્ય વિભાગ વધુ સાવધ બન્યા છે ત્યારે નવા સંક્રમિતોમાંથી અડધો અડધ દર્દીઓને કોરોના ચેપનાં કોઈ લક્ષણો જ માલુમ પડતા ન હોવાનું બહાર આવ્યું છે.સુરતનાં કમિશ્નર બંછાનીધી પાનીએ પણ લોકોને લાપરવાહ બનવા સામે લાલબતી ધરી છે અને માત્ર કેસ રેશીયો જ નહિં પણ ડેથ રેશીયો વિશે પણ ગફલતમાં નહિં રહેવા ચેતવ્યા છે.
સુરતનાં મ્યુનિ.કમિ.શ્રી બંધાનીધી પાનીએ મીડિયા વાતચીતમાં જણાવ્યું હતું કે શહેરમાં સંક્રમણને વધતુ રોકવા માટે તમામ શકય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.આઈસીએમઆર મુજબ દેશમાં 771 પ્રકારનાં કોરોના સ્ટ્રેન હોવાનું નોંધવામાં આવ્યું છે.સુરતમાં પણ અલગ સ્ટ્રેન હોવાની શકયતાનો ઈન્કાર થઈ શકતો નથી.સુરતને કોરોના મુકત કરવા અને લક્ષણ ન હોય તેવા દર્દીઓને પણ ઓળખવા માટે મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે.એક જ દિવસમાં 25000 થી વધુ ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા. તેમણે એવો મહત્વનો નિર્દેશ આપ્યો હતો કે નવા સંક્રમિત થતા લોકોમાંથી 50 ટકા દર્દીઓ તેઓને કોરોનાનો ચેપ હોવા વિશે અજાણ હોવાનું માલુમ પડયુ છે.આ ઉપરાંત તાવ આવવો,માથુ દુ:ખવુ જેવા લક્ષણોને બદલે આંખ લાલ થવી,ડાયેરીયા જેવા લક્ષણો માલુમ પડયા હતા.વધતા સંક્રમણ માટે ઘણા અંશે લોકોની બેદરકારી પણ જવાબદાર હોવાનો નિર્દેશ કરતા તેઓએ એવી લાલબતી ધરી હતી કે કોરોનાની પ્રથમ લહેર કરતાં પ્રવર્તમાન સંક્રમણમાં ડેથ રેશીયો ઓછો હોવાનું માનીને લોકો,બેફીકર બની ગયાની છાપ છે પરંતુ આવી ગફલતમાં રહેવાની જરૂર નથી.લોકો એવુ પણ માનવામાં લાગ્યા છે કે વર્તમાન સંક્રમણ અત્યારે હળવુ છે તેવી પણ માન્યતા રાખવાની જરૂર નથી.લોકોએ ગંભીરતા પૂર્વક કોરોનાના નિયમોનું પાલન કરીને સંક્રમણ રોકવાનું જરૂરી છે.