– કતારગામમાં કિન્નરોને માસ્ક પહેરવાનું કહેતાં ચેકપોસ્ટ માથે લીધું
– પોલીસ સાથે કરેલાં શરમજનક કરતૂતનો વીડિયો વાઇરલ થયો
સુરત : સુરતમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી શહેરમાં રાત્રિ કર્ફ્યૂનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે.દરમિયાન રાત્રિ કર્ફ્યૂમાં શહેરના કતારગામ વિસ્તારના ચેકપોસ્ટ પર શરમજનક દૃશ્યો સર્જાયાં હતાં.રાત્રિ કર્ફ્યૂમાં કિન્નરોને પોલીસે અટકાવી માસ્ક પહેરવાનું કહેતાં તમામ મર્યાદાઓ વટાવી હતી.કિન્નરોએ વસ્ત્રો ઉતારી પોલીસને ક્ષોભમાં મૂકી દેવાની સાથે મારામારી પણ કરી હતી.ચેકપોસ્ટ ખાતે મચેલા હંગામાને કારણે પોલીસ અધિકારીઓનો કાફલો પણ દોડી આવ્યો હતો.
રાત્રિ કર્ફ્યૂમાં અમરોલી તરફથી આવી રહેલા કિન્નરોને માસ્ક પહેરવાની સાથે કતારગામ ચેકપોસ્ટ પરથી પરત જવા કહ્યું હતું.જોકે કિન્નરોએ પોલીસની વાત સાંભળી નહીં અને દાદાગીરી કરી હતી.કિન્નરોએ પોલીસ સાથે નગ્ન થઈને ફક્ત ઉદ્ઘતાઈ જ કરી નથી,પરંતુ હાથાપાઈ પણ કરી હતી.
કિન્નરોના હંગામાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.કિન્નર હોય કે સામાન્ય વ્યક્તિ કે વીવીઆઈપી,સરકાર દ્વારા બનાવવામાં આવેલા નિયમો તમામ લોકો માટે સરખા હોય ત્યારે આ સ્થિતિમાં આ પ્રકારના વર્તનની ટીકા થઈ રહી છે. કિન્નરોનો એક વર્ગ એવો છે જે સમાજમાં સન્માનનું સ્થાન ધરાવે છે,પરંતુ આવાં કેટલાંક તત્ત્વોને કારણે તેમની પણ બદનામી થઈ છે.
કતારગામ ચેકપોસ્ટ પર આખરે મોડી રાત સુધી ચાલેલા આ હંગામાને કારણે પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.તમામ કિન્નરોને કતારગામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.ત્યાં હાલ કતારગામ પોલીસે ચાર જેટલા કિન્નરો સાથે મારામારીની ફરિયાદ નોંધી છે.