ઓલપાડ : સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના એક ફાર્મ હાઉસમાં ધુળેટીની ઉજવણી કરવા જઈ રહેલા પરિવારની કાર ટકરામા ગામ નજીક નહેરમાં ખાબકી હતી.આ અકસ્માતમાં કારમાં સવાર 2 વર્ષના બાળક સહિત બેના મોત થયા હતા.જ્યારે અન્ય ત્રણને ઇજાગ્રસ્ત હાલતમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા સુભાષ નગરમાં રહેતા મયુરભાઈ બાબુભાઇ ગાબાણી (ઉ.વર્ષ 28) શનિવારે રાત્રે પોતાની કાર લઈને પરિવાર સાથે ઓલપાડ તાલુકાના એરથાણ ગામે આવેલા એલીફન્ટા ફાર્મ હાઉસમાં ધુળેટી રમવા માટે નીકળ્યા હતા.તેઓ પત્ની શીતલ,રીંકુ તેમજ મિત્ર શૈલેશના 2 વર્ષના પુત્ર અર્જુન અને અન્ય એક યુવતી સાથે પસાર થઈ રહ્યા હતા તે સમયે ટકરામા ગામ નજીક મયુરભાઈએ સ્ટીરયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાર રોડની સાઈડે નહેરમાં ખાબકી હતી.
કાર નહેરમાં ખાબકી હોવાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.પોલીસે પણ સ્થળ પર પહોંચી સ્થાનિકોની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢી હતી.કાર ચાલક મયુર અને 2 વર્ષના માસૂમ અર્જુનનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હોળી ધુળેટીનો તહેવારને લઈ પરિવારના ખુશીનો માહોલ હતો ત્યારે અચાનક સર્જાયાયેલા અકસ્માતમાં માસૂમ સહિત બેના મોત થતા પરિવારજનોમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી.ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.