– અતુલ વેકરીયાનો દારૂ પીધેલાનો મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો પણ દાખલ કરાશે
– આરોપીના જામીન કેન્સલ કરવા કોર્ટમાં પ્રોસેસ કરાશે : DCP વિધિ ચૌધરી
સુરત : વેસુમાં હીટ એન્ડ રનની ઘટનામાં ઉમરા પોલીસે આરોપી અતુલ વેકરીયા સામે અકસ્માતની હળવી કલમો લગાડતા કોર્ટમાંથી જામીન મળી ગયા પછી 304ની કલમ (સાપરાધ મનુષ્યવધ)નો ઉમેરો શનિવારે સાંજે કર્યો હતો.જો કે આરોપીનો દારૂ પીધેલાનો મેડિકલ રિપોર્ટ હજી આવવાનો બાકી હોય પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધ્યો નથી.આ રિપોર્ટ આવ્યા બાદ MV એક્ટ 185 કલમનો ઉમેરો પણ થઇ શકે છે.
ટ્રાફિક પોલીસના એસીપી મેવાડાએ એક્સીડન્ટવાળી જગ્યાની વિઝિટ કરી તેમણે પણ એમવી એક્ટ 185 અને 304ની કલમ ઉમેરો કરવાની વાત કરી હતી છતાં ઉમરા પોલીસે વાતને પણ ધ્યાને ન લીધી હતી.છેવટે પોલીસે 304ની કલમનો ઉમેરો કર્યો હતો.ઝોન-3 ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યુ હતું કે, ‘એક્સીડન્ટના કેસમાં 304ની કલમનો ઉમેરો કરાયો છે,સાથે આરોપીના જામીન કેન્સલ કરવા માટે પણ કોર્ટમાં પ્રોસેસ કરવામાં આવશે.’
હવે આ કેસમાં મજબૂત કડીઓ મેળવવા માટે પોલીસે ફ્રેન્કીની લારી ચલાવતી મહિલા અને તેના પુત્રના નિવેદનો લીધા છે ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવ્યા છે.જ્યારે અન્ય એક મોપેડને પણ અડફટે લીધું હતું. તે દંપતીના નિવેદન પણ લેશે.પોલીસ પ્રમાણે ઍક્સિડન્ટ થયું ત્યાં રોડ પર બમ્પ હતો એટલે કારની સ્પીડ ધીમી હતી.જો કે ઍક્સિડન્ટ તો બમ્પ પહેલા થયું છે તેમજ જે સ્થળ પર અકસ્માત થયો છે તે પણ બમ્પથી દુર છે.ઉર્વશીના મોપેડને પણ ભારે નુકશાન થયું છે.એકવાર પોલીસે ઉર્વશીની મોપેડ જોવાની જરૂર છે કેમ કે મોપેડમાં જે રીતે ઘસારો છે તે જોતા કારની સ્પીડનો અંદાજો લગાવી શકાય છે.