આને કહેવાઈ ગુજરાત મોડેલ ! વેન્ટિલેટર્સ લાવવા સુરત પાલિકાએ કચરાનું ડમ્પર મોકલ્યું

324

સુરત : રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.હાલ રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સુરત અને અમદાવાદમાં સામે આવી રહ્યા છે.ચૂંટણી પછી સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રોજ 500 કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત સુરતની ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની અછત હોવાનું સામે આવી રહ્યું છે.ત્યારે વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા સુરતને 300 જેટલા નવા વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા હતા.જેમાંથી 200 સુરતની સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવશે અને 100 સ્મીમેર હોસ્પિટલમાં ફાળવવામાં આવશે.

બીજી તરફ સુરતમાં વેન્ટિલેટરની જરૂરિયાત પૂર્ણ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વલસાડથી વેન્ટિલેટર મંગાવવામાં આવ્યા હતા પરંતુ આ વેન્ટિલેટર જે રીતે સુરત આવ્યા છે તેને લઇને વિવાદ થયો છે.કારણ કે,સુરત મહાનગરપાલિકા દ્વારા કચરાના ડમ્પરની અંદર વેન્ટિલેટર ભરીને સુરત લાવવામાં આવ્યા છે અને જેના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.આ તમામ વેન્ટિલેટર વલસાડની જનસેવા હોસ્પિટલમાં હતા અને ત્યાંથી કચરાના ડમ્પર માધ્યમને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

જોકે આ બાબતે જ્યારે તંત્રને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ઈમરજન્સી હોવાના કારણે આ ડમ્પરમાં વેન્ટિલેટર લાવવામાં આવ્યા છે.મહત્ત્વની વાત છે કે, કચરાના ટેમ્પામાં રોજે કચરાની હેરફેર થતી હોવાના કારણે તેમાં ખૂબ જ બેક્ટેરિયા અને જમ્સ હોય છે ત્યારે કચરાના ટેમ્પોમાં લાવવામાં આવેલા વેન્ટિલેટર બેક્ટેરિયા મુક્ત હશે તે બાબતે જવાબદારી કોણ લેશે? આ ઘટનામાં સુરત મહાનગરપાલિકા દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે કે,નહીં તે પણ એક મોટો સવાલ લોકોના મનમાં ઉઠી રહ્યો છે.

ગુજરાત કોંગ્રેસના સોશિયલ મીડિયા કોડીર્નેટર ઝૂબર પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાત મોડેલની સરકાર આ રીતે લોકોને કોરોનાથી બચાવી શકશે? વલસાડથી સુરતમાં વેન્ટિલેટર કચરાની ગાડીમાં મોકલાઈ રહ્યા છે.ગુજરાત સરકારનો હેલ્થ ડિપાર્ટમેન્ટ જ વેન્ટિલેટર પર છે તે આ ફોટા પરથી સાબિત થઈ રહ્યું છે.

Share Now