– 8 મહિનાની બાળકીના પરિવારમાં કોઈને કોરોના નહોતો થયો
નવી દિલ્હી, તા. 9 એપ્રિલ : દેશમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરાંત મૃતકઆંકમાં પણ વધારો થઈ રહ્યો હોવાથી અનેક જગ્યાએ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે.મધ્ય પ્રદેશની રાજધાનીમાં પહેલી વખત કોરોનાના 41 દર્દીઓના મૃતદેહની એક સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી.
ભોપાલના ભદભદા વિશ્રામ ઘાટ પર ગુરૂવારે 41 મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા.તે પૈકીના કોરોના સંક્રમિત 31 મૃતદેહને પ્રોટોકોલના પાલન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.ભોપાલમાં સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, પહેલી વખત ભદભદા વિશ્રામ ઘાટ પર કોરોના સંક્રમિતો માટે તૈયાર કરવામાં આવેલી જગ્યા નાની પડી હતી અને નવી જગ્યાઓ બનાવવી પડી હતી.ભદભદા વિશ્રામ ઘાટ ખાતે કોરોના સંક્રમિત મૃતદેહોની અંતિમ વિધિ કરવા માટે કુલ 12 પિલર તૈયાર કરવામાં આવ્યા હતા.
જગ્યા ઓછી પડવાના કારણે વિદ્યુત શબદાહના ગ્રાઉન્ડમાં નવી જગ્યા તૈયાર કરવી પડી હતી. 6 એપ્રિલના રોજ ઈંદોર ખાતે પણ કોરોના દર્દીઓના 25 મૃતદેહના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.ભોપાલમાં કોરોનાના કારણે 8 મહિનાની બાળકી અદીબા પણ મૃત્યુ પામી હતી.ભોપાલમાં પહેલી વખત કોરોનાએ આટલી નાની ઉંમરના બાળકનો ભોગ લીધો છે. નવાઈની વાત એ છે કે, તે બાળકીના પરિવારમાં કોઈ કોરોના પોઝિટિવ નથી આવ્યું.