સુરત : ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે અને રાજ્યમાં સ્થિતિ એ પ્રકારે વણસી ગઈ છે કે જ્યાં દર્દીઓ પોતાની સારવાર માટે વલખા મારી રહ્યા છે.રાજ્યના કોઈ જીલ્લામાં બેડની વ્યવસ્થા નથી તો કોઈ જીલ્લામાં રેડમીસીવર ઈન્જેકશનની કમી વર્તાઈ રહી છે,ત્યારે આ સ્થિતિમાં રાજ્યના ચાર મહાનગરમાંના એક સુરતમાંથી સિવિલ હોસ્પિટલને લઈ એક વરવી વાસ્તવિકતા સામે આવી છે.
હકીકતમાં સુરત શહેરની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય હોય એમ જ જ્યાં ત્યાં ગંદકી જોવા મળી રહી છે અને કોરોનાના દર્દીઓ નર્ક જેવી સ્થિતિમાં રહેવા માટે મજબૂર બની ગયા છે.આ સ્થિતિમાં જ સુરતની એક હોસ્પિટલનો એક વીડિયો વાઈરલ થયો છે, તે જોઈને તમે પણ વિચારી શકો છો કે, શું આ હોસ્પિટલ છે કે નર્ક ? સુરતની કોવિડ હોસ્પિટલમાં નથી પાણી આવી રહ્યું કે ગંદકી સાફ કરવા માટે કોઈ સફાઈકર્મી છે. હોસ્પિટલમાં પાણી પણ આવતું નથી,જેથી કોરોનાના દર્દીઓ ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બન્યા છે અને અહીં કોઈ સાફ-સફાઈ કરવા વાળુ પણ ફરકતું નથી.આ સ્થિતિમાં 20 થી 30 દર્દીઓ છેલ્લા 3 દિવસથી માથુ ફાટી જાય તેવી દુર્ગંધ વચ્ચે જીવી રહ્યાં છે.
સુરતની હોસ્પિટલની આ સ્થિતિ જોઇને સામે આવી રહ્યું છે કે, કોરોનાના આ કહેરમાં કયા પ્રકારે તંત્ર કામ કરી રહ્યું છે અને આ ગંદકીમાં દર્દીઓની સારવાર પણ કેવી રીતે થશે.બીજી બાજુ આ વિડીયો જોઇને ગુજરાત મોડલ સામે પણ હવે સવાલો ઉભા થઇ રહ્યા છે, કારણ કે વાસ્તવિકતા એ છે કે, જ્યાં જુઓ ત્યાં હોસ્પિટલમાં ગંદકી છે તો દર્દીઓ શું રામ ભરોશે છે ?