ભાજપ કાર્યાલય ખાતેથી ઇન્જેક્શનની ફાળવણી બંધ કરવામાં આવી, સ્ટોક પૂરો કે વિવાદને કારણે ફાળવણી બંધ?

281

– વહેલી સવારથી લાઇનમાં ઉભેલા લોકો વીલા મોઢે પાછા ફર્યા, કાર્યાલય પર પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો

સુરત, તા. 13 એપ્રિલ : સુરત ભાજપ દ્વારા કોરોના ના ઇન્જેક્શન વેચવાની કામગીરી આજે અચાનક બંધ કરી દેવામાં આવી છે.ઇન્જેક્શન લેવા માટે વહેલી સવારથી લોકો લાઈનમાં ઊભા રહી ગયા હતા પરંતુ સ્ટોક નથી તેવું કહીને વિતરણ કરવામાં આવ્યું ન હતું.ગઈકાલે ટોકન ના વિવાદ બાદ આજે ઇન્જેક્શન પણ બંધ કરી દેવાતા અનેક અટકળો શરૂ થઇ ગઇ છે.

છેલ્લા ત્રણ દિવસથી સુરતના ભાજપ કાર્યાલય પરથી કોરોના માટે અકસીર ગણાતા ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવતું હતું.ગઈકાલે તો કંઈ ફાળવણીમાં વિવાદ ઊભો થયો હતો અને કેટલાક લોકોના ટોકન બનાવટી હોવાનું કહી તેમને ઇન્જેક્શન આપવામાં આવ્યા ન હતા. જેના કારણે વિવાદ ઉભો થયો હતો.ભાજપના એક નેતાએ આ ઇંજેક્શનમાં ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.આ વિવાદ બાદ આજે અચાનક જ ઇન્જેક્શનનું વિતરણ ભાજપ કાર્યાલયથી બંધ કરી દેવામાં આવ્યો હતો.પોતાના સ્વજનોને બચાવવા માટે અનેક લોકો ભાજપ કાર્યાલય પર ઇંજેકશન લેવા માટે વહેલી સવારથી લાઇનમાં ઉભા રહ્યા હતા.કલાકોના વેઇટિંગ બાદ ઇન્જેક્શન ન હોવાનું કહેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળતો હતો.

હાલ તો ઇન્જેકશનનો સ્ટોક નથી તેવું કહીને વિતરણ બંધ કરવામાં આવ્યું છે.ઇન્જેક્શન લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેલા લોકોને વીલા મોઢે પાછા કાઢી મુકાતા લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો હતો.આ જોઈને ભાજપ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે ભાજપના એક નેતાએ પોતાના મળતીયા ને ઇન્જેક્શન આપી દેતા ભાજપના કાર્યકરોને પણ ઇન્જેક્શન મળ્યા ન હતા.આ કારણથી વિવાદ ઉભો થતાં ઇન્જેકશનનો વિતરણ બંધ કરવામાં આવ્યું છે.

Share Now