નવી દિલ્હી, તા. ૧૪ : કોવિડ-૧૯માં વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન કરતી ફાર્મા કંપનીઓએ જણાવ્યું છે કે તેમણે દેશમાં વધતી જતી માગને ધ્યાનમાં રાખીને આ ઇન્જેકશનનું ઉત્પાદન વધારી દીધું છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના વધતા જતા કેસને પગલે રેમડેસિવિરની વધતી જતા માગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રવિવારે આ ઇન્જેકશન અને તેમા વપરાતા એક્ટિવ ફાર્મા ઇન્ટેગ્રિન્ટ્સ(એપીઆઇ)ની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.દેશમાં કોરોનાના કેસો ઘટી નહીં ત્યાં સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે.
ઝાયડસ કેડિલાના પ્રવક્તાએ જણાવ્યું છે કે કોરોનાના વધતા કેસોને પગલે હાલમાં રેમડેસિવિર ઇન્જેકશનની માગ વધી ગઇ છે.અમે હાલમાં અમારા ત્રણ યુનિટમાં આ ઇન્જેકશનનું ઉત્પાદન કરી રહ્યાં છે.વધતી જતી માગને ધ્યાનમાં રાખીને એક મહિનામાં પાંચથી છ લાખ ઇન્જેકશનનું ઉત્પાદન કરવામાં આવતું હતું તે વધારીને ગર મહિને ૧૦ થી ૧૨ લાખ કરવામાં આવ્યું છે.આ પણ વધારીને મહિને ૨૦ લાખ ઇન્જેકશનનું ઉત્પાદન કરવામાં આવશે.
આગામી કેટલાક સપ્તાહમાં પુરવઠાની સ્થિતિ સ્થિર થઇ જશે. બીજી તરફ ડો. રેડ્ડીઝ લેબોરેટરીએ પણ જણાવ્યું છે કે તે ભારતના દરેક દર્દીને રેમડેસિવિર ઇન્જેકશન મળી તે માટેના પ્રયત્નો કરી રહી છે.
આ ઉપરાંત સન ફાર્મા અને સિપ્લા જેવી ફાર્મા કંપનીઓએ પણ જણાવ્યું છે કે તે પણ રેમડેસિવિર ઇન્જેકશનનું ઉત્પાદન વધી રહી છે.