દિલ્હી : કોવિશિલ્ડ વેક્સિન બનાવનારી કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાએ આજે રાજ્ય સરકારો અને પ્રાઇવેટ હોસ્પિટલો માટે પોતાના ભાવની યાદી જાહેર કરી છે.પ્રાઇવેટ હોસ્પિટલોને એક ડોઝ રૂપિયા ૬૦૦ અને રાજ્ય સરકારને એક ડોઝ રૂપિયા ૪૦૦ ભાવે આપવામાં આવશે.
ભારત સરકારે હાલમાં જ વેક્સિનેશનના આગામી તબક્કાની જાહેરાત કરી છે.આ તબક્કામાં રાજ્ય સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલ સીધી જ વેક્સિન નિર્માતાઓ પાસેથી વેક્સિનની ખરીદી કરી શકશે.અત્યાર સુધી કેન્દ્ર સરકાર જ વેક્સિન ખરીદતી હતી અને વિવિધ રાજ્યોને વહેંચતી હતી.કેન્દ્ર સરકાર અનુસાર,અત્યારે પણ ૫૦ વેક્સિન કેન્દ્ર સરકારને મળશે.જ્યારે બાકી ૫૦ ટકા રાજ્ય સરકારો સીધી જ વેક્સિન નિર્માતાઓ પાસેથી લઇ શકશે. સાથે જ પ્રાઇવેટ સેક્ટર પણ આવું કરી શકશે.
સીરમ ઇન્સ્ટીટ્યૂટનો દાવો છે કે તેમની વેક્સિન વિદેશી વેક્સિનની સરખામણીએ ઘણી સસ્તી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ભારત સરકારને સીરમ ઇન્સ્ટીટ્યૂટ પાસેથી ૨૦૦ રૂપિયા પ્રતિ ડોઝ પ્રમાણે વેક્સિન મળી રહી હતી.કેન્દ્ર સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં તે વેક્સિન મફતમાં આપવામાં આવી રહી હતી. જ્યારે પ્રાઇવેટ સેન્ટર્સ માટે ૨૫૦ રૂપિયા પ્રતિ ડોઝ ભાવ નક્કી કરવામાં આવ્યો હતો.