બારડોલી : બારડોલીમાં GST પત્રકો ભરવાની મુદતમાં વધારો કરવાની માગ સાથે રાજ્યના નાણાં મંત્રી નીતિન પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.હાલ કોરોના સંક્રમણની સ્થિતિને કારણે અલગ અલગ વિસ્તારોમાં સ્વૈચ્છીક લોકડાઉન હોવા ઉપરાંત કેટલાક વેપારીઓ અને ટેક્સ પ્રેકટીશનર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હોય હાલ પૂરતી મુદત લંબાવી આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
સુરત જિલ્લા સહિત બારડોલીમાં પણ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.જેની અસર વેપાર ધંધા પર પણ જોવા મળી રહી છે.બારડોલી વિસ્તારમાં ગત 13મી એપ્રિલથી 18મી એપ્રિલ સુધી સ્વૈચ્છીક લોકડાઉનને કારણે મોટા ભાગના વેપાર ધંધા બધ રહ્યા હતા અને આગામી 30મી એપ્રિલ સુધી વિકેન્ડ લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું છે.આ બધી સ્થિતિ વચ્ચે વેપારીઓની GST રિટર્ન ભરવા સહિતની પ્રક્રિયામાં મુશ્કેલી આવી રહી છે.વેપારીઓ વતી બારડોલી પ્રદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આ મામલે ગુજરાત રાજ્યના નાણાં મંત્રી નિતિન પટેલને રજૂઆત કરવામાં આવી છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે, બારડોલી પ્રદેશ વિસ્તારમાં ઘણા વેપારીઓ, એકાઉન્ટન્ટ અને ટેક્સ પ્રેકટીશનરો કોરોના પોઝિટિવ હોય હોમ ક્વોરોંટાઇન છે અથવા તો હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ રહ્યા છે.આવા સંજોગોમાં GST પત્રકો સમયસર ભરી શકાય તેમ નથી.ત્યારે હાલની સ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા જીએસટી પત્રકો 3બી અને GSTR-1 માર્ચ 2021થી લઈ પરિસ્થિતી સામાન્ય ન થાય ત્યાં સુધી પત્રકો ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવે તેમજ લેટ ફી (પેનલ્ટી)માં પણ રાહત આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.