દેશના નાણામંત્રી નિર્મલા સિતારામણના પતિ અને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે કોરોના વાયરસના સંકટકાળને લઈને મોદી સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે.આ ઉપરાંત મોદી સરકારના પગલાંની ટીકા કરી છે.તેમણે કહ્યું હતું કે, સરકાર લોકોની મદદ કરવાના બદલે હેડલાઈન મેનેજમેન્ટમાં અને પોતાની પીઠ થાબડવામાં મચી પડી હતી.
આરોગ્ય ક્ષેત્રે ઈમરજન્સી
પોતાની યુટ્યુબ ચેનલ પર એક કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કહી હતી.તેમણે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહના વખાણ કરતા કહ્યું હતું કે, એમની સલાહ થોડી રચનાત્મક હતી પણ એના પર કેન્દ્રીય મંત્રીએ અસભ્ય રીતે પ્રતિક્રિયા આપી હતી. આ મુદ્દાને રાજકીય સ્પર્શ આપવાનો પ્રયત્ન થયો હતો.ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ દુનિયાના બાકી દેશ કરતા વધારે ઝડપથી ફેલાઈ રહ્યું છે.મરણાંક રેકોર્ડ તોડી રહ્યો છે.આરોગ્ય ક્ષેત્રે હાલ ઈમરજન્સી જેવી સ્થિતિ છે.સરકારની તૈયારીઓ અને તેમની જવાબદારીને પારખવાનો સમય છે.તેમને પોતાનાઓના મૃત્યુ કષ્ટદાયી લાગે છે જ્યારે અન્યનું મૃત્યુ માત્ર આંકડા સમાન લાગે છે.
કોરોનાના સંકટને કારણે લોકોની નોકરીઓ ગઈ છે.સારવાર કરાવવામાં સેવિંગ્સ ખતમ થઈ રહી છે.મોટાભાગના લોકો આર્થિક મારમાંથી બેઠા થયા નથી. જ્યારથી આ મહામારીની માઠી અસર શરૂ થઈ છે દેશમાં આશરે 1.80 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.પણ વાસ્તિવક આંક જાહેર કરવામાં આવતો નથી.વાસ્તિવક સ્થિતિ કરતા આ આંકડો ઓછો છે.ટેસ્ટિંગ અને વેક્સીનેશન પણ ઓછું થયું છે.અત્યારે હોસ્પિટલ અને લેબ સેમ્પલ લેવાની ના પાડે છે.હોસ્પિટલ પર એકાએક વધેલા કાર્યભારને કારણે તે રીપોર્ટ આપી શકતી નથી.
હજુ કોઈ બ્રેક લાગવાની નથી
સ્મશાનમાં પણ લાઈન લાગી છે. બેડ માટે દોડધામ ચાલી રહી છે.પણ કોઈ રાજનેતા કે ધાર્મિક નેતાના કાને આ પોકાર પડઘાતી નથી.ટીવીમાં જોયું હતું કે, વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ કેવી રેલી કાઢી રહ્યા છે.ભીડ એકઠી કરી રહ્યા છે.કુંભમેળો ચાલી રહ્યો છે. સ્થિતિ એકદમ વણસી જાય પછી રાજનેતાઓને હોંશ આવે છે.હદ તો ત્યારે થાય છે કે, કેટલાક નિષ્ણાંતો આ ભીડને યોગ્ય ગણાવી રહ્યા છે.તે એવો તર્ક આપી રહ્યા છે કે, અન્ય દેશની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે.આવું સાંભળીને હચમચી જવાય છે.મહામારીમાં હજુ કોઈ બ્રેક લાગવાની નથી.અત્યારે ઓછામાં ઓછા 140 કરોડ વેક્સીન ડોઝની જરૂર છે.જે સમયે હોસ્પિટલ અને પરંપરાગત ઢાંચો સુધારવાની જરૂર હતી ત્યારે તાલી અને થાડી વગાડતા હતા.લોકોની મદદ કરવાના બદલે સરકાર હેડલાઈન્સનું મેનેજમેન્ટ કરતી હતી.કેન્દ્રીય આરોગ્યમંત્રીએ જ જણાવ્યું કે, 9 રાજ્યમાં હોસ્પિટલની ક્ષમતા ઘટી ગઈ છે.એટલે એમ્બ્યુલન્સની લાઈન જોવા મળી રહી છે.
વડાપ્રધાનનું મૌન
અર્થશાસ્ત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટોણો મરતા કહ્યું કે, લાંબા સમય સુધી મૌન નહીં ચાલે માનવતા,પારદર્શિતા અને જવાબદારી જ ટકાઉ હોય છે.પરેશાન કરતા પ્રશ્નોના જવાબ મોદી સરકાર નથી આપતી.પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે સલાહ આપી ત્યારે એના વિષય પર રાજનીતિ કરવા પ્રયત્નો થયા હતા.પરકલા પ્રભાકર આંધ્ર પ્રદેશ સરકારમાં કોમ્યુનિકેશન એડવાઈઝર રહી ચૂક્યા છે.