કોલકાતામાં કોરોના બેકાબૂ, RT-PCR ટેસ્ટમાં દર બીજી વ્યક્તિ મળી રહી છે સંક્રમિત

231

કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે.કોરોનાની આ બીજી લહેરે લોકોને ભયભીત કરી નાખ્યા છે.હૉસ્પિટલોમાં લોકોને બેડની અછત પડી રહી છે.સ્મશાન ગૃહોમાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે.કાળમુખો કોરોના વધુ ને વધુ લોકોને ભરડામાં લઈ રહ્યો છે.ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી 3 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને બે હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.એવામાં હાલના સમયમાં જ્યાં ચૂંટણી ચાલી રહી છે એવા પશ્ચિમ બંગાળ અને ખાસ કરીને કોલકાતાની પરિસ્થિતિ વધુ બગડતી જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય કોરોના પ્રોટોકોલના ઉલ્લંઘનનું પરિણામ ભોગવી રહ્યું છે.કોલકાતામાં કરવામાં આવી રહેલા RT-PCR ટેસ્ટમાં દર બીજી વ્યક્તિ સંક્રમિત મળી રહી છે.કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં કોરોના સંક્રમણ દર 45થી 55 ટકા પહોંચી ગયો છે,તો બીજા શહેરોમાં તે 24 ટકાની આસપાસ છે.એક મહિના પહેલા આ દર માત્ર 5 ટકાની આસપાસ હતો.

એક એપ્રિલે રાજ્યના 25 હજાર 766 લોકોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 1271 સંક્રમિત મળ્યા હતા.ત્યારે સંક્રમણ દર લગભગ 5 ટકા હતો,પરંતુ 24 એપ્રિલે 55 હજાર 060 લોકોની તપાસનમાં 14 હજાર 281 લોકો પોઝિટિવ મળ્યા છે એટલે કે સંક્રમણ દર 25 ટકાથી વધારે થઈ ગયો છે.પશ્ચિમ બંગાળમાં અત્યારે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે.ચૂંટણી આયોગે 8 ચરણમાં ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે.સોમવારે એટલે કે આજે સાતમા ચરણનું મતદાન થઇ રહ્યું છે.તેમાં 36 સીટો માટે મતદાન કરવામાં આવશે.અંતિમ ચરણનું મતદાન 29 એપ્રિલે થશે. તો મતગણતરી 2 મેના રોજ થશે.

એક મહિનાથી વધારે ચાલેલી ચૂંટણી પ્રચારની રેલીઓ અને રોડ શોમાં ખૂબ ભીડ જમા થઈ હતી.વિધાનસભાની ચૂંટણી વચ્ચે સતત અલગ અલગ પાર્ટીઓના નેતા રેલીઓ આયોજિત કરી રહ્યા છે.જોકે મોટી સંખ્યામાં સામાન્ય લોકોએ ચુંટણી રેલીઓ રદ્દ કરવાની માંગણી કરી હતી,પરંતુ અરધાથી વધારે ચરણનું મતદાન વીતી ગયા બાદ ચૂંટણી આયોગ અને પાર્ટીના નેતાઓએ આ બાબતે નિર્ણય લીધા.અંતિમ ચરણના મતદાન પહેલા ચૂંટણી આયોગે રાજ્યમાં રોડ શો અને વાહન રેલી પર પ્રતિબંધ લગાવ્યો.તેથી પૂર્વ કોલકાતા હાઇકોર્ટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોરોના વિરોધી નિયમોના ક્રિયાન્વયને લઈને ચૂંટણી આયોગ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.

Share Now