રામ ભરોસે ! સુરતના ખાનગી હોસ્પિટલમાં 12 કલાક ચાલે તેટલો જ ઓક્સિજન, ઈન્ડિયન મેડીકલ એસો.દ્વારા કલેકટરને રજૂઆત

311

સુરત : શહેરમાં કોરોના સંક્રમણ વધતા હવે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત વર્તાતા દર્દીઓ અને તેમના સંબંધીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.ખાનગી હોસ્પિટલ સંચાલકોમાં મિશન હોસ્પિટલએ ઓક્સિજનની અછત હોવાની વાત કરીને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે સૂચન કરાયું છે.બીજી તરફ ક્લેક્ટરે કહ્યું કે, મહારાષ્ટ્રની લિન્ડે કંપનીએ ઓક્સિજનનો પૂરવઠો ઘટાડી દીધો છે.હાલ રિલાયન્સનો ઓક્સિજન મળી રહ્યો છે.સ્થિતિ ખૂબ કટોકટ છે તંત્ર દ્વારા અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે.બીજી તરફ ખાનગી હોસ્પિટલની કફોડી સ્થિતિને લઈને જિલ્લા ક્લેક્ટરને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા 12 કલાક જ ઓક્સિજન ચાલે તેમ હોવાની રજૂઆત કરી હતી.

સુરત શહેરમાં ઓક્સિજનની અછત થઈ છે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે.ઈન્ડિયન મેડીકલ કાઉન્સીલ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી કે, ખાનગી હોસ્પિટલ પાસે ઓક્સિજન ન હોવાથી 4000 જેટલા દર્દીઓને સ્થિતિ ગંભીર બની છે.યુદ્ધના ધોરણે ઓક્સિજન ની વ્યવસ્થા ન કરવામાં આવે તો સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જોખમમાં મુકાઈ શકે છે.ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલના સુરતના પ્રમુખ શહેરની સ્થિતિ અંગે જણાવતા કહ્યું કે, સુરત શહેરમાં આગામી બારથી ચોવીસ કલાકમાં સ્થિતિ નિયંત્રણ બહાર જઈ શકે તેવી શક્યતાઓ છે.સુરત શહેરની ખાનગી હોસ્પિટલ પાસે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં નથી.મિશન હોસ્પિટલ,કિરણ હોસ્પિટલ,નિર્મલ હોસ્પિટલ અને મહાવીર હોસ્પિટલ સ્થિતિ બગડી છે.

ડો. નિર્મલ ચોરારિયા જણાવ્યું કે, અત્યારે જ પ્રકારના કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.તે ઓક્સિજનની જરૂરિયાત વાળા વધારે છે.પહેલા તબક્કામાં જે દર્દીઓ આવતા હતા તેઓ પાંચમા સાતમા દિવસો સિઝન ઉપર જતા હતા. પરંતુ અત્યારે બીજા દિવસે જ ઓક્સિજન ઉપર જતા રહે છે. તેના કારણે એકાએક સુરત શહેરમાં ઓક્સિજનની માંગ વધી છે.ઓક્સિજનની અછતના કારણે સુરત શહેરમાં ખૂબ મોટી મુશ્કેલી આવી પડે તેવું જણાઈ રહ્યું છે.

ધારાસભ્ય હર્ષ અંગે જણાવ્યું કે. સતત તમામ અધિકારીઓ અને ડોક્ટરો બેઠકો કરી રહ્યા છે કેવી રીતે શહેરને ઓક્સિજનની અછતમાંથી બહાર લાવવા તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મહારાષ્ટ્રમાંથી મળતો ઓક્સિજન હાલ ગુજરાતને મળી રહ્યો નથી તેના કારણે મુશ્કેલી સર્જાય છે.અમે તમામ ડોક્ટર એસોસિયેશનો સાથે જિલ્લા કલેકટર અને તમામ અધિકારીઓ બેઠકો કરીને અમે કોઈ વિકલ્પ શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે.ઓક્સિજનની શહેરમાં અછત ઊભી થઈ છે.અમે સૌ કોઈ સ્વિકારી રહ્યા છીએ.હવે આ સ્થિતિમાંથી કેવી રીતે બહાર આવો તેને લઈને અમે તમામ પ્રયાસો શરૂ કર્યા છે.

સુરત શહેર અને જિલ્લામાં ઓક્સિજનની એકાએક અછત ઉભી થતા વહીવટી તંત્ર ઊંઘતું ઝડપાયું છે.સરકારી હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતાં હોવાને કારણે અથવા તો સરકારી હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાને કારણે કોરોના સંક્રમિત દર્દીઓના સંબંધીઓ દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતાં.છેલ્લા સાત-આઠ દિવસથી સારવાર લેતા દર્દીઓ અને હોસ્પિટલના સંચાલકો દ્વારા તેમની પાસે ઓક્સિજનનો પુરવઠો ન હોવાને કારણે દર્દીને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે સૂચન કરાયું છે.જેને લઇને દર્દીઓના સંબંધીઓમાં રોજ જોવા મળી રહ્યો છે.તેમજ દર્દીની તબિયત ને લઈને ચિંતા પણ વધી ગઈ છે.

દિનેશભાઇએ જણાવ્યું કે, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા વિજુબા છેલ્લા દસ-બાર દિવસથી મિશન હોસ્પિટલની અંદર સારવાર લઇ રહ્યા છે.આજે સવારે મિશન હોસ્પિટલના સંચાલકોએ તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે તેમના સંબંધીઓને જાણ કરી હતી.જેથી દર્દીના સંબંધી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.અન્ય ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી નથી અને ત્યાં પણ ઓક્સિજનની સુવિધા મળશે કે કેમ તેને લઈને પણ કોઈ સ્પષ્ટતા નથી.

ઘણા બધા ખાનગી હોસ્પિટલના દર્દીઓને આ જ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.ગઈકાલ સાંજ સુધી ખાનગી હોસ્પિટલે આવી કોઈ વાત દર્દીના સંબંધીઓને કરી ન હતી.પરંતુ એકાએક જ હવે ખાનગી હોસ્પિટલના સંચાલકો બેજવાબદારી પૂર્વક રીતે વર્તન કરી રહ્યા છે.શહેરમાં દરેક વ્યક્તિ જાણે છે કે, હોસ્પિટલમાં બેડ ખાલી મળી શકે એવી સ્થિતિ ખૂબ ઓછી છે, છેલ્લા આઠ દસ દિવસથી સતત લાખો રૂપિયાનો ખર્ચો કરીને સારવાર અપાવી રહેલા દર્દીના સગા સંબંધીઓ સાથે ખાનગી હોસ્પિટલ ગંભીરતાપૂર્વકનું આયોજન કર્યું નથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે.

સુરત કલેકટર ડો.ધવલ પટેલએ ખાસ વાતચીતમાં સ્વિકાર્યું કે, શહેરમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.મહારાષ્ટ્રથી જે કંપની દ્વારા ઓક્સિજન મળતું હતું, તેમાં ઘટાડો થયો છે.જેને કારણે આપણે સુરત શહેરમાં જે પ્રકારની માંગ છે.તેની સામે પુરવઠો ખૂબ ઓછો છે.આજે સાંજ સુધી હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચે તે માટે અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ
પરંતુ કાલથી સિચ્યુએશન કેવી રીતે ઉભી થશે તે અંગે કહેવું ખૂબ મુશ્કેલ છે.રિલાયન્સ કંપની દ્વારા ઓક્સિજન સપ્લાય કરવાનું શરૂ કરાયું છે.પરંતુ આપણને જોઈએ એટલા પ્રમાણમાં ઑક્સિજન ન મળે તો મુશ્કેલી ઉભી થશે,પરંતુ જો ન મળે તો કાલ બપોરે પછી ઓક્સિજન સુરત શહેર પાસે કેટલું હશે.તે કહેવું મુશ્કેલ રહેશે.આપણે અત્યારે રિલાયન્સ દ્વારા મળનારા ઓક્સિજન ઉપર આધાર રાખી રહ્યા છે.

Share Now