ઓક્સિજનની તંગીને કારણે બારડોલી CHCમાં નવા દર્દીઓ દાખલ નહીં કરવાનો નિર્ણય

254

– વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી સૂચના હવે પ્રજા ભગવાન ભરોષે

બારડોલી : બારડોલી CHC ખાતે બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનના અભાવે નવા દર્દીઓને દાખલ નહીં અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવતા કોરોનાના દર્દીઓની હાલત કફોડી થવાની સંભાવના સેવાઇ રહી છે.

કોરોના મહામારીમાં સુરત શહેર સહિત જિલ્લાની હાલત દિન પ્રતિદિન કથળતી જાય છે.આજથી સુરત શહેર અને જિલ્લામાં ઓક્સિજનની અછતને કારણે કેટલીક હોસ્પિટલોએ નવા દર્દીઓ દાખલ કરવા પર રોક લગાવી દીધી છે.ઓક્સિજનનો પુરવઠો ખૂબ જ ઓછો હોય ઓક્સિજન હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓને મુશ્કેલી પડવાની સંભાવના છે.તંત્ર અને સરકારના અણઘડ વહીવટને કારણે ઓક્સિજનની કટોકટી સર્જાય છે.જો સમયસર ઓક્સિજન નહીં મળે તો જિલ્લાની સ્થિતિ કપરી થવાના એંધાણ વર્તાય રહ્યા છે.ત્યારે બારડોલીની બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ આજથી જ કોરોના સંક્રમિત નવા દર્દીઓને દાખલ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયને કારણે બારડોલી CHCમાં સારવાર માટે આવતા ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.બીજી તરફ ઓક્સિજન પુરવઠો ખૂબ ઓછો હોવાથી કેટલીક ખાનગી હોસ્પિટલોએ પણ હવે દર્દીઓના સગાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.બારડોલી CHCના ઇન્ચાર્જ અધિક્ષક ડૉ. ભાવેશ પટેલ જણાવ્યું હતું કે, સુરત જિલ્લા વિકાસ અધિકારી તરફથી નવા દર્દીઓને હાલ પૂરતા દાખલ ન કરી નવી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવાની સૂચના આપવામાં આવી છે.

Share Now