કોરોના સંકટ સમયે સિંગાપુરે ઓક્સિજન ભરેલા બે વિમાન મોકલ્યા

255

દિલ્હી : કોરોનાના લીધે દેશમાં પડી રહેલી ઓક્સિજનની કમીને પહોંચી વળવા માટે ભારતને મદદ કરનારા દેશોમાં હવે સિંગાપુર પણ સામેલ થઇ ગયું છે.સિંગાપુરે બુધવારે ઓક્સિજન સિલિન્ડરથી ભરેલા બે વિમાન ભારત માટે રવાના કર્યા છે. સિંગાપુરના વિદેશ મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે.

સિંગાપુરના વિદેશ મંત્રી ડૉક્ટર મલિકી ઉસ્માને સિંગાપુર એરફોર્સના બે સી-૧૩૦ એરક્રાફ્ટ ભારત માટે રવાના કર્યા છે.આ વિમાન ભારતમાં ૨૫૬ ઓક્સિજન સિલિન્ડર લઇને આવી રહ્યાં છે.મલિકીએ કહ્યું કે, સિંગાપુર અને ભારત વચ્ચે ગાઢ સંબંધ રહ્યાં છે.તેમણે મહામારી દરમિયાન સિંગાપુરને જરૂરી ચીજોની સપ્લાય કરતાં રહેવા અને ભારતના યોગદાન માટે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો.

એક સત્તાવાર નિવેદન મુજબ, ભારતીય વાયુસેનાએ પણ ત્રણ ઓક્સિજન કન્ટેનર લાવવા માટે પોતાનું સી-૧૭ એરક્રાફ્ટ સિંગાપુર મોકલ્યું છે.ઉલ્લેખનીય છે કે, સિંગાપુરથી મેડિકલ ઓક્સિજનની સપ્લાય એવા સમયે કરવામાં આવી છે,જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર વ્યાપક પ્રમાણમાં પ્રસરી રહી છે.હોસ્પિટલોમાં બેડ્સ નથી અને ઓક્સિજનની કમીનો સામનો કરી રહ્યાં છે.બીજી બાજુ,બુધવારે પણ કોરોના વાયરસના ૩.૬૦ લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે.જ્યારે કોરોનાને લીધે ૩,૨૯૩ લોકોનાં મોત નિપજ્યાં છે.

Share Now