નવી દિલ્હી,તા.28. : કોરોના કાળમાં ત્રિપુરાના એક કલેકટરના કરતૂત પર સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.પશ્ચિમ ત્રુપિરાના કલેકટરનો વિડિયો પણ ગઈકાલથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં દેખાય છે કે, કલેક્ટર શૈલેષ યાદવે પોલીસને સાથે રાખીને એક લગ્ન સમારોહમાં એન્ટ્રી કરી હતી.આ વિડિયોમાં કલેકટર લગ્નમાં સામેલ લોકો પર હાથ ઉઠાવતા નજરે પડે છે.ત્યાં સુધી કે લગ્ન કરાવનાર પંડિતને પણ કલેકટર લાફો મારી દે છે.
એક મહિલા કલેકટરને કોઈ કાગળ બતાવવા માંગે છે તો કલેકટર યાદવ મહિલાના હાથમાં કાગળ લઈને ફાડી નાંખે છે.જોકે કલેકટરની જે વર્તણૂંક છે તે તેમના હોદ્દાને શોભા દે તેવી નથી તેવુ વિડિયોમાં જોઈ શકાય છે.આ વિડિયો જોયા બાદ જે રીતે લોકોએ ગુસ્સો વ્યક્ત કરવા માંડયો હતો તે જોઈને ત્રિપુરા સરકાર એક્શનમાં આવી હતી અને કલેકટરે હવે સસ્પેન્ડ કરી દીધા છે.ત્રિપુરાના મુખ્યમંત્રીએ પણ સમગ્ર ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે.ત્રિપુરામાં આ મામલાએ હવે વધારે તુલ પકડયુ છે.કારણકે ભાજપ સાંસદે પણ જેના લગ્ન હતા તે દુલ્હનને મળવા જવાની જાહેરાત કરી છે.જોકે હવે કલેકટરની સાન ઠેકાણે આવી છે.કલેકટર યાદવે માફી માંગીને કહ્યુ છે કે, મારો ઉદ્દેશ કોઈની લાગણી દુભવવાનો નહોતો.