નવીદિલ્હી, તા.29 : દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી આગળ વધી રહ્યું છે.દરરોજ કોરોનાના નવા દર્દી પાછલા દિવસોના રેકોર્ડ તોડી રહ્યા છે.સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં બેડ ખૂટવા લાગ્યા છે અને દર્દીઓ એક-એક બેડના ઈન્તેજારમાં પોતાનો દમ તોડતાં દેખાઈ રહ્યા છે.દરમિયાન છેલ્લા 24 કલાકમાં ફરી દેશભરમાં રેકોર્ડબ્રેક 3,79,257 નવા દર્દીઓ મળ્યા છે તો 3645 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે.આટલા કપરાં સમયમાં રાહતની વાત એ છે કે કોરોનાથી સાજા થનારા દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.પાછલા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2,69,507 દર્દીઓ સાજા પણ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી જાણકારી અનુસાર દેશમાં અત્યાર સુધી 1,83,76,524 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.અત્યાર સુધી 1,50,86,878 લોકો વાયરસને હરાવી ચૂક્યા છે તો 2,04,832 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે. અત્યારે 30,84,814 દર્દીઓની સારવાર ચાલી રહી છે.રાજ્યવાઈઝ વાત કરવામાં આવે તો દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 25986 નવા કેસ સામે આવ્યા છે અને 368 લોકોના મોત થયા છે.જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાનું તાંડવ શમવાનું નામ જ ન લઈ રહ્યું હોય તેવી રીતે 24 કલાકમાં 985 લોકોના મોત થયા છે તો 63309 કેસ મળ્યા છે. ઉત્તરપ્રદેશમાં 29751 નવા કેસ, 265ના મોત,ગોવામાં 3101 નવા કેસ, 24ના મોત, કેરળમાં 35013 કેસ,કર્ણાટકમાં 39830, છત્તીસગઢમાં 15563,રાજસ્થાનમાં 16613, ગુજરાતમાં 14120,તામીલનાડુમાં 1665 અને મધ્યપ્રદેશમાં 12758 નવા કેસ મળી આવ્યા છે.